ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા થશે નવા કોચ, વનડે કેપ્ટનની જાહેરાતઃ CA

ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા થશે નવા કોચ, વનડે કેપ્ટનની જાહેરાતઃ CA

મેલબોર્નઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ની શુક્રવારે યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના નવા કોચને લઈને કોઈ પરિણામ ન આવ્યું. પરંતુ સીએનું કહેવું છે કે ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા નવા કોચ અને ઓસ્ટ્રેલિયાના વનડે કેપ્ટનની જાહેરાત કરી દેવામાં આવશે. 

વેબસાઇટ ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂના રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાની ટીમ 13 જૂનથી શરૂ થનારા ઈંગ્લેન્ડના પ્રવાસમાં પાંચ વનડે અને એક ટી20 મેચ રમશે. 

ઉલ્લેખનીય છે કે બોલ ટેમ્પરિંગ મામલામાં કોચ ડેરેન લેહમને ટીમના મુખ્ય કોચ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તે સિવાય આ મામલામાં ફસાયેલા સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર પર એક-એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેમરન બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

બોર્ડના ચેરમેન ડેવિડ પીવરે કહ્યું, આ પદો પર એપોઈન્ટમેન્ટ માટે યોગ્ય ઉમેદવારો વિશે સીએ પાસે સૂચન માંગવામાં આવશે. ત્યારબાદ આ નામોની જાહેરાત કરવામાં આવશે. 

થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયાન ઓપનિંગ બેટ્સમેન એરોન ફિન્ચે કહ્યું હતું કે, જો કોઈ પસંદગીકાર મને ચાન્સ આપે તો તે ફરી ટીમની કમાન સંભાળવા તૈયાર છે. 

અત્યારે ટિમ પેનને ટેસ્ટ કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ હજુ વનડે અને ટી20 માટે કેપ્ટનની પસંદગી કરવાની બાકી છે. ફિન્ચે કહ્યું હતું કે, નિશ્ચિત રૂપથી હું આ માટે તૈયાર છું. પરંતુ ઈમાનદારીથી કહું તો મેં આ માટે વિચાર્યું નથી. ટીમ માટે આ મુશ્કેલ સમય છે. 

31 વર્ષિય ફિન્ચને 2014માં ટી20 ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન બનાવાયો હતો, પરંતુ તેણે માત્ર છ મેચોમાં નેતૃત્વ કર્યું અને બાદમાં 2016 ટી20 વિશ્વકપ પહેલા સ્મિથને કમાન સોંપવામાં આવી હતી. 

 

 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news