)
ક્રિકેટના ઈતિહાસમાં અનેક એવા રેકોર્ડ બન્યા જે સાંભળવામાં અશક્ય જેવા લાગે પરંતુ થયા અને ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ ગયા. તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જેમાં બેટરે માત્ર 9 બોલમાં અડધી સદી ફટકારી દીધી. આ રેકોર્ડ કોઈ લોકલ ટુર્નામેન્ટ કે પછી કોઈ ટી20 લીગની મેચનો નથી પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો રેકોર્ડ છે. 100 વર્ષમાં પણ આ રેકોર્ડ કોઈ તોડે તે શક્યતા નહીંવત હશે.
520નો સ્ટ્રાઈક રેટ
આ બેટરે ઈન્ટરનેશનલ મેચમાં 520ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી. ગણતરીની પળોમાં છગ્ગાઓનું એવું તોફાન લાવી દીધુ કે માત્ર 9 બોલમાં બેટરે 50 રન ઠોકી દીધા. આ બેટર સામે બોલરો અને ફીલ્ડર્સ લાચાર જોવા મળ્યા હતા. એટલું જ નહીં તેણે 6 બોલમાં 6 છગ્ગાના યુવરાજ સિંહના રેકોર્ડની પણ બરાબરી કરી અને તેમના સૌથી ફાસ્ટ અડધી સદીના રેકોર્ડને પણ તોડ્યો.
કોણ છે આ જાદુઈ બેટર?
આ મેચ વર્ષ 2023ની છે જ્યારે એશિયન ગેમ્સમાં નેપાળ અને મોંગોલિયા વચ્ચે મેચ રમાઈ. આ મેચમાં નેપાળની ટીમે મોંગોલિયાના બોલરો સાથે ગજબ ખેલ કરી નાખ્યો. પાંચમા નંબરે ઉતરેલા નેપાળના ઓલરાઉન્ડર દીપેન્દ્રસિંહ એરીએ પહેલા જ બોલથી ફટકારવાનું શરૂ કરી દીધુ. તેમને 19મી ઓવરમાં બેટિંગ કરવાની તક મળી અને ત્યારે ટીમ પાસે માત્ર 11 બોલ બાકી હતા.
9 બોલમાં ફિફ્ટી
11 બોલમાંથી દીપેન્દ્રસિંહે 9 બોલ રમ્યા. 19મી ઓવરના પહેલા બોલ પર વિકેટ પડી અને દીપેન્દ્રસિંહ બેટિંગ કરવા આવ્યો. બોલરે બે બોલ વાઈડ ફેક્યા, પરંતુ જેવો બોલ સીધો આવ્યો કે દીપેન્દ્રએ બાઉન્ડ્રી પાર મોકલી દીધો. ત્યારબાદ ત્રીજા, ચોથા, પાંચમા, અને છઠ્ઠા બોલના પણ આ જ હાલ થયા. માત્ર 5 બોલમાં 30 રન થઈ ગયા. 20મી ઓવરના પહેલા બોલ પર કુશલે દીપેન્દ્રના હવાલે છેલ્લી ઓવરના 5 બોલ કર્યા. ત્યારબાદ તો ધમાલ મચી. 20મી ઓવરનો બીજો બોલ બાઉન્ડ્રી પાર ગયો અને 6 બોલમાં એરી 36 પર પહોંચ્યો અને યુવરાજસિંહના રેકોર્ડની બરાબરી કરી. ત્રીજા બોલ પર તે 2 રન દોડ્યો. ત્યારબાદ બીજા બે બોલ પર છગ્ગા ફટકારીને માત્ર 9 બોલમાં અડધી સદી પૂરી કરી અતૂટ રેકોર્ડ બનાવી દીધો. તેણે 10 બોલમાં 52 રન ઠોકીને ક્રિકેટમાં નવો ઈતિહાસ કાયમ કર્યો. તેણે યુવરાજસિંહના 12 બોલમાં ફિફ્ટીનો રેકોર્ડ પણ તોડ્યો.
નેપાળના 314 રન
નેપાળની ટીમે આ મેચમાં ટી20 ઈન્ટરનેશનલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર 314 રન કર્યો. જો કે એક વર્ષ બાદ ઝિમ્બાબ્વેએ 344 રન કરીને રેકોર્ડ તોડ્યો. નેપાળ તરફથી કુશલ મલ્લાએ પણ 50 બોલમાં 12 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 137 રન કર્યા હતા. કેપ્ટન રોહિત પૌડલે 27 બોલમાં 6 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 61 રન કર્યા હતા. આ દમદાર ઈનિંગ્સના કરાણે નેપાળની ટીમ 314 રન કરી ગઈ અને 273 રનથી જીતી હતી.