)
Women World Cup Final 2025: નવી મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી મહિલા વનડે વિશ્વકપ 2025ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની જીતની હીરો દીપ્તિ શર્મા બની હતી. તેણે બોલિંગમાં એવો કમાલ કર્યો કે આફ્રિકાનો ધબડકો થયો હતો. દીપ્તિએ ફાઈનલમાં પાંચ વિકેટ લીધી અને ભારતને પ્રથમવાર વિશ્વકપનું ટાઈટલ અપાવ્યું. આ દમદાર પ્રદર્શન બાદ તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરવામાં આવી હતી.
ટૂર્નામેન્ટમાં ઓલરાઉન્ડર દીપ્તિએ કર્યો કમાલ
દીપ્તિ શર્માએ વિશ્વકપ 2025મા બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ટૂર્નામેન્ટમાં 200થી વધુ રન બનાવ્યા અને 22 વિકેટ ઝડપી હતી. મહિલા વિશ્વકપના 52 વર્ષના ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ખેલાડી બની ગઈ છે.
માત્ર એટલું જ નહીં દીપ્તિએ વિશ્વકપમાં નંબર 5 કે તેનાથી નીચે બેટિંગ કરતા ત્રણ વખત 50થી વધુનો સ્કોર બનાવ્યો છે. આવું કરનારી ઈતિહાસની તે ત્રીજી ખેલાડી છે. તેની પહેલા આ રેકોર્ડ હરમનપ્રીત કૌર (2022) અને એશ્લે ગાર્ડનર (2025) ના નામે હતો.
ફાઈનલમાં દીપ્તિ શર્માએ પલટી મેચ
સાઉથ આફ્રિકા વિરુદ્ધ ફાઈનલ મુકાબલામાં દીપ્તિ શર્માનું પ્રદર્શન બેમિસાલ રહ્યું હતું. તેની શાનદાર બોલિંગે ભારતને ઈતિહાસ રચવામાં મદદ કરી હતી. દીપ્તિએ મેચમાં 9.3 ઓવરમાં 39 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે પણ ભારતને વિકેટની જરૂર હતી ત્યારે દીપ્તિએ સફળતા અપાવી હતી. તેની શાનદાર બોલિંગની મદદથી આફ્રિકાની રનચેઝની આશા ખતમ થઈ ગઈ હતી.
દીપ્તિનું કરિયર
વર્ષ 2014મા પર્દાપણ કરનારી દીપ્તિ શર્મા હવે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સૌથી વિશ્વાસપાત્ર ઓલરાઉન્ડર બની ગઈ છે. પોતાના કરિયરમાં તેણે 121 વનડે મેચમાં 2739 રન બનાવ્યા છે. દીપ્તિએ એક સદી અને 18 અડધી સદી ફટકારી છે. બોલિંગમાં તેના નામે 157 વિકેટ છે.
દીપ્તિના રેકોર્ડે ન માત્ર દેશને પ્રથમ મહિલા વિશ્વકપ અપાવ્યો, પરંતુ તે પણ સાબિત કરી દીધું કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હવે કોઈ મોટા મંચ પર પાછળ નથી.