વિશ્વકપમાં અનુષ્કા શર્માનો ચાનો કપ ઉપાડી રહ્યાં હતા પસંદગીકાર, પૂર્વ દિગ્ગજનો ખુલાસો

ભારતના પૂર્વ ક્રિકેટર ફારૂખે હાલની પસંદગી સમિતિ, સીઓએ અને બીસીસીઆઈના નવા અધ્યક્ષ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. 

વિશ્વકપમાં અનુષ્કા શર્માનો ચાનો કપ ઉપાડી રહ્યાં હતા પસંદગીકાર, પૂર્વ દિગ્ગજનો ખુલાસો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના (Indian cricket team) પૂર્વ વિકેટકીપર ફારૂખ એન્જિનિયરે (Farokh Engineer) ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ફારૂખ પોતાના અંદાજમાં ટિપ્પણી કરવા માટે જાણીતા છે. 81 વર્ષીય ફારૂખે પસંદગી સમિતિ પર ટકાક્ષ કરતા તેને મિકી માઉસ પસંદગી સમિતિ ગણાવી હતી. આ સાથે તેમણે કહ્યું કે, સમિતિના લોકો 2019 વિશ્વ કપ દરમિયાન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા માટે ચાના કપ ઉઠાવવાનું કામ કરી રહ્યાં હતા. આ સાથે તેમણે એમએસકે પ્રસાદની અધ્યક્ષતા વાળી પસંદગી સમિતિની વિશ્વસનીયતા પર પણ પ્રશ્ન ઉભા કર્યાં છે. ફારૂખનું કહેવું છે કે દિલીપ વેંગસરકર જેવા પૂર્વ ખેલાડીને પસંદગી સમિતિનો ભાગ બનાવવા જોઈએ. 

ફારૂખ એન્જિનિયરે ઈંગ્લેન્ડમાં રમાયેલા વિશ્વ કપ 2019 દરમિયાન એક ઘટનાનો ઉલ્લેખ કર્યો જેમાં તે એક એવા વ્યક્તિને મળ્યા જે ભારતીય પસંદગીકાર હતો, પરંતુ ફારૂખને તેની ભૂમિકા સ્પષ્ટ ન થઈ શકી. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ફારૂખે જણાવ્યું કે, હાલની પસંદગી સમિતિની પાસે જે પ્રકારનો અનુભવ હોવો જોઈએ તેનો નથી. તેમણે કહ્યું કે, આપણી પાસે જે પસંદગી સમિતિ છે તે મિકી માઉસ પસંદગી સમિતિ છે. તેમણે પસંદગીકારો પર સવાલ ઉઠાવતા કહ્યું કે, અહીં પર વિરાટ કોહલીનો મોટો પ્રભાવ છે, પરંતુ માત્ર 10-12 ટેસ્ટ મેચ રમનાર પસંદગીકાર કેમ ક્વોલિફાઇડ થયા હતા. 

તેમણે જણાવ્યું કે, વિશ્વ કપ દરમિયાન હું એક પસંદગીકારને મળ્યો જેને હું જાણતો પણ નથી. તેણે ભારતીય ટીમનું બ્લેઝર પહેર્યું હતું અને મેં તેને પૂછ્યું તમે કોણ છો. તેણે મને જણાવ્યું કે, તે ટીમ ઈન્ડિયાનો પસંદગીકાર છે. આ બધા અહીં વિરાટની પત્ની અનુષ્કા શર્માના ચાના કપ ઉપાડવાનું કામ કરી રહ્યાં હતા. ફારૂખે બીસીસીઆઈના નવા અધ્યક્ષ વિશે કહ્યું કે, તે એક સાહસિક કેપ્ટન હતો, જે હંમેશા સાહસ ભર્યા નિર્ણય કરતો હતો. મને આશા છે કે તે અધ્યક્ષ તરીકે આવા ઐતિહાસિક નિર્ણય લેશે જે ભારતીય ક્રિકેટના હિતમાં હશે. 

ફારૂખ એન્જિનિયરે ભારત માટે કુલ 46 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તેમણે 31.08ની એવરેજથી 2611 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 2 સદી અને 16 અડધી સદી ફટકારી હતી. ભારત માટે તેમણે પાંચ વનડે મેચ પણ રમી હતી. જેમાં તેમણે કુલ 114 રન બનાવ્યા હતા. સીઓએ વિશે તેમણે કહ્યું કે, તે સમયની બરબાદી સિવાય કશું નહતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news