)
Australian coach and captain Bob Simpson Dies : એશિયા કપ 2025 ટુર્નામેન્ટ પહેલા ક્રિકેટ જગત માટે દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને કોચ બોબ સિમ્પસનનું નિધન થયું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઉપરાંત વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમના કોચિંગ હેઠળ, ઓસ્ટ્રેલિયન ટીમે 1987માં વર્લ્ડ કપ જીત્યો હતો અને તેમણે એક એવી ટીમ બનાવી હતી જેણે મોટા દેશોને હરાવ્યા હતા.
મહાન ખેલાડી અને સફળ કેપ્ટન
સિમ્પસને 1957થી 1978 વચ્ચે ઓસ્ટ્રેલિયા માટે 62 ટેસ્ટ અને બે ODI રમી હતી. તેમણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 4,869 રન બનાવ્યા હતા, જેમાં 10 સદી અને 27 અડધી સદીનો સમાવેશ થાય છે. તેમણે 71 વિકેટ પણ લીધી હતી અને 39 ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કર્યું હતું. સિમ્પસને 16 વર્ષની ઉંમરે ન્યૂ સાઉથ વેલ્સ માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું.
લેજન્ડરી કોચ અને એડમિનિસ્ટ્રેટર
સિમ્પસન 1986થી 1996 સુધી ઓસ્ટ્રેલિયાના કોચ તરીકે પણ રહ્યા. તેમના નેતૃત્વ હેઠળ ઓસ્ટ્રેલિયાએ 1987નો વર્લ્ડ કપ, ચાર એશિઝ શ્રેણી અને 1995માં ફ્રેન્ક વોરેલ ટ્રોફી જીતી. આ જીતથી વેસ્ટ ઇન્ડીઝ સામે 17 વર્ષના દુકાળનો અંત આવ્યો.
RIP to a true cricket legend.
A Test cricketer, captain, coach and national selector - Bob Simpson was a mighty figure in Australian cricket, giving everything to our game.
Cricket Australia extends our thoughts and sympathies to Bob’s family and friends. pic.twitter.com/U8yGeZNmCb
— Cricket Australia (@CricketAus) August 16, 2025
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું નિવેદન
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ માઈક બેયર્ડે જણાવ્યું હતું કે, "1977માં વર્લ્ડ સિરીઝ ક્રિકેટની શરૂઆત દરમિયાન નિવૃત્તિમાંથી બહાર આવવાનો અને ટીમનું સફળતાપૂર્વક નેતૃત્વ કરવાનો બોબનો નિર્ણય રમત માટે એક અદ્ભુત સેવા હતી. તેમના કોચિંગે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે સુવર્ણ યુગનો પાયો નાખ્યો."
ICC હોલ ઓફ ફેમમાં સામેલ
સિમ્પસનને 2013માં ICC ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેરાત કરી છે કે ઓસ્ટ્રેલિયન ટીમ સિમ્પસનને શ્રદ્ધાંજલિ આપશે અને ખેલાડીઓ શનિવારે રાત્રે કેર્ન્સમાં દક્ષિણ આફ્રિકા સામેની ODI મેચ પહેલા તેમના હાથ પર કાળી પટ્ટી પહેરશે.
Bob Simpson’s extraordinary service to Australian cricket spanned generations. As a player, captain and then era-defining coach, he set the highest of standards for himself and the champions he led. He will be long remembered by the game he loved.
May he rest in peace.
— Anthony Albanese (@AlboMP) August 16, 2025
પ્રધાનમંત્રીએ શું કહ્યું ?
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે પણ સિમ્પસનને શ્રદ્ધાંજલિ આપી. તેમણે લખ્યું, "ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે બોબ સિમ્પસનની અસાધારણ સેવા પેઢીઓ સુધી ફેલાયેલી છે. એક ખેલાડી, કેપ્ટન અને પછી યુગ-નિર્ધારિત કોચ તરીકે, તેમણે પોતાના માટે અને તેમના નેતૃત્વ હેઠળના ચેમ્પિયન માટે ઉચ્ચતમ ધોરણો સ્થાપિત કર્યા છે."