)
દિગ્ગજ બેટ્સમેન અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સચિન તેંડુલકરે ગુરુવારે એવી અટકળોને ફગાવી દીધી હતી કે તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના આગામી અધ્યક્ષ બનવાની રેસમાં છે. તેમની મેનેજમેન્ટ ફર્મે આવી બધી વાતોને 'પાયાવિહોણી' ગણાવી હતી. તેંડુલકરની મેનેજમેન્ટ ફર્મે તેમના વતી એક નિવેદન બહાર પાડીને એવી અટકળોનો અંત લાવ્યો છે કે તેઓ રોજર બિન્નીના સંભવિત ઉત્તરાધિકારી હોઈ શકે છે. બિન્નીનો કાર્યકાળ જુલાઈમાં પૂરો થયો હતો.
સચિન તેંડુલકર બનશે BCCIના નવા અધ્યક્ષ ?
કંપની દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અમારા ધ્યાનમાં આવ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ પદ માટે સચિન તેંડુલકરના નામ પર વિચારણા અથવા નામાંકન અંગે કેટલાક સમાચાર અને અફવાઓ ફેલાઈ રહી છે." કંપનીએ કહ્યું, "અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે આવું કંઈ થયું નથી. અમે તમામ સંબંધિત પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ પાયાવિહોણી અટકળો પર ધ્યાન ન આપે."
વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડે 28 સપ્ટેમ્બરે તેની વાર્ષિક સામાન્ય સભામાં ચૂંટણી યોજવાની છે. બિન્નીને ઓક્ટોબર 2022માં BCCI અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને બોર્ડના બંધારણમાં આ પદ માટે 70 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. BCCI લોકપાલ અને આચરણ અધિકારીની પણ વાર્ષિક સામાન્ય સભા દરમિયાન નિમણૂક કરવામાં આવશે જ્યારે ICCમાં બોર્ડના પ્રતિનિધિની પણ નિમણૂક કરવામાં આવશે.