)
Gautam Gambhir: ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને તાજેતરમાં દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2025ની ફાઇનલમાં ક્રિકેટમાં તેમના અવિસ્મરણીય યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે અરુણ જેટલી સ્ટેડિયમમાં ફાઇનલ દરમિયાન એક ફન સેગમેન્ટમાં ભાગ લીધો હતો અને તેમના હિસાબે યુવા ક્રિકેટરોથી લઈ દિગ્ગજ ખેલાડીઓને ટેગ આપ્યા હતા. ફાઇનલમાં નીતિશ રાણાની કેપ્ટનશીપ હેઠળની વેસ્ટ દિલ્હી લાયન્સે સેન્ટ્રલ દિલ્હી કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું હતું.
ગંભીરે વિરાટ કોહલીને આપ્યું આ ટેગ
પૂર્વ ઓપનર ગંભીરની સામે કેટલાક શબ્દો આપવામાં આવ્યા હતા, જેના પછી તેમને એક ખેલાડીનું નામ લેવાનું હતું. ગંભીરે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને 'ક્લચ'નું ટેગ આપ્યું હતું. તેમણે સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને 'દેશી બોય'નું ટેગ આપ્યું હતું. ગંભીર અને કોહલી દિલ્હીના છે. જ્યારે કોચની સામે 'સ્પીડ' શબ્દ આવ્યો ત્યારે તેમણે ધાકડ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો ઉલ્લેખ કર્યો. તેમણે નીતિશ રાણાને 'ગોલ્ડન આર્મ'નું ટેગ આપ્યું હતું.
ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટનું ટેગ આ ખેલાડીને આપ્યું
જ્યારે ગંભીરે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલને 'મોસ્ટ સ્ટાઇલિશ પ્લેયર'નું ટેગ આપ્યું હતું. તેમણે 'મિસ્ટર કન્સિસ્ટન્ટ' શબ્દ આવતાં પૂર્વ દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડનું નામ લીધું. તેમણે પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણને 'રન મશીન' જ્યારે પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનને 'ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ'નું ટેગ આપ્યું હતું. હેડ કોચે વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતને 'મોસ્ટ ફની'નું ટેગ આપ્યું હતું. પંત ઈજાને કારણે ટીમની બહાર ચાલી રહ્યો છે.
એશિયા કપ 2025
ગંભીર થોડા દિવસોમાં ફરી હેડ કોચની જવાબદારી સંભાળતા જોવા મળશે. ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ ભારતને લાંબો બ્રેક મળ્યો છે. ભારતીય ટીમ હવે T20 એશિયા કપ 2025માં રમશે, જેની શરૂઆત 9 સપ્ટેમ્બરથી UAEમાં થશે. ભારત ટુર્નામેન્ટમાં તેના અભિયાનની શરૂઆત 10 સપ્ટેમ્બરે UAE સામે કરશે. ભારત 14 સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. આ હાઇ-વોલ્ટેજ મેચ દુબઈના મેદાન પર રમાશે.