IPL 2018: હૈદરાબાદે લગાવી જીતની હેટ્રિક, કોલકાતાને 5 વિકેટે હરાવ્યું

આઈપીએલ સીઝન 11ની 10મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રમાઈ. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે નિર્ધારીત 20 ઓવરોમાં 8 વિકેટ ગુમાવીને 138 રન કર્યાં

IPL 2018: હૈદરાબાદે લગાવી જીતની હેટ્રિક, કોલકાતાને 5 વિકેટે હરાવ્યું

કોલકાતા: આઈપીએલ સીઝન 11ની 10મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રમાઈ. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે નિર્ધારીત 20 ઓવરોમાં 8 વિકેટ ગુમાવીને 138 રન કર્યાં અને સનરાઈઝર્સ હૈદરાબાદને જીતવા માટે 139 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં હૈદરાબાદ 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 139 રન કર્યાં. હૈદરાબાદે કોલકાતાને 5 વિકેટથી હરાવ્યું. હૈદરાબાદની આ સતત ત્રીજી જીત છે અને પોઈન્ટ ટેબલમાં તે 6 પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે.

યૂસુફ પઠાણે સિક્સર મારીને જીત અપાવી
હૈદરાબાદ તરફથી દાવની શરૂઆતમાં સાહાએ 15 બોલમાં 24 રન કર્યાં. જ્યારે શિખર ધવને 7 બોલમાં 7 રન કર્યાં. કેન વિલિયમસને શાનદાર 44 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 50 રન કર્યાં. મનીષ પાંડેએ 11 બોલમાં 4 રન, શાકિબ અલ હસને 21 બોલમાં 27 રન, દીપક હુડ્ડાએ 9 બોલમાં 5 રન અને યૂસુફ પઠાણે 7 બોલમાં 17 રન કર્યાં. કોલકાતા તરફથી સુનીલ નારાયણે 4 ઓવરોમાં 17 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે મિશેલ જ્હોન્સન, પીયૂષ ચાવલા અને કુલદીપ યાદવને ફાળે એક એક વિકેટ ગઈ હતી.

કોલકાતાએ હૈદરાબાદને આપ્યો 139 રનનો ટાર્ગેટ
ટોસ હારીને પહેલા બેટિંગ કરતા કોલકાતા નાઈટ  રાઈડર્સે 20 ઓવરોમાં 8 વિકેટ ગુમાવીને 138 રન કર્યાં. સનરાઈઝર્સ હૈદરાબાદને 139 રનનો ટાર્ગેટ આપ્યો. હૈદરાબાદના બોલર્સે કોલકાતાને મોટો સ્કોર કરતા રોકી. હૈદરાબાદના કેપ્ટન  કેન વિલિયમસને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. બોલરોએ કેપ્ટનના આ નિર્ણયને યથાર્થ ઠેરવ્યો હતો. કોલકાતાને 20 ઓવરોમાં આઠ વિકેટના નુકસાન પર 138 રનમાં સિમિત કરી દીધી.

હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમાર સૌથી સફળ બોલર રહ્યો જેણે ચાર ઓવરોમાં ફક્ત 26 રન આપ્યા અને 3 વિકેટ લીધી. શાકિબ અલ હસન અને બિલિ સ્ટાનલેકે ચાર ચાર ઓવરોમાં 21-21 ન આપ્યાં અને 2-2 વિકેટ લીધી. કોલકાતાએ આ વખતે પોતાની ઓપનિંગ જોડીમાં ફેરફાર કર્યો હતો અને ક્રિસ લિન સાથે રોબિન ઉથ્થપાને દાવની શરૂઆત માટે મોકલ્યા હતાં. જો કે આ દાવ સફળ નિવડ્યો નહીં. ઉથપ્પા ત્રીજી ઓવરના ચોથા બોલ પર ભુવનેશ્વરકુમારનો શિકાર બન્યો હતો. ત્યારબાદ નિતિશ રાણાએ લિન સાથે રમતમા જોડાયો.

વરસાદનું વિધ્ન
સાતમી ઓવર પૂરી થતા જ વરસાદ પડ્યો અને મેચ રોકાઈ ગઈ. થોડીવાર બાદ મેચ શરૂ થઈ અને ચોથા બોલે રાણાને મનીષ પાંડેએ કેચ કરીને પેવેલિયન ભેગો કર્યો. બિલિ સ્ટાનલેકના બોલ પર રાણા કુલ 55ના સ્કોર પર આઉટ થયો હતો. સુનીલ નરેનને શાકિબે પોતાના જ બોલ પર શાનદાર કેચ કરીને પેવેલિયન ભેગો કર્યો. સ્ટાનલેક અને મનીષની જોડીએ એકવાર ફરીથી કમાલ કર્યો અને ખતરનાક આંદ્રે રસેલને પણ પેવેલિયન ભેગો કર્યો. રસેલની વિકેટ 96ના સ્કોર પર પડી હતી. શુભમન ગિલ આઈપીએલની પહેલી જ મેચમાં ફક્ત 3 રન બનાવી શક્યો.

કેપ્ટન દિનેશ કાર્તિક 27 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 29 રન બનાવી શક્યો. શિવમ માવીએ સાત રન કર્યાં અને છેલ્લા બોલ પર આઉટ થયો. મિશેલ જ્હોન્સન 4 રન પર અણનમ રહ્યો હતો.

હૈદરાબાદે જીત્યો હતો ટોસ
હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને બોલિંગનો ફેસલો લીધો અને કોલકાતાને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. હૈદરાબાદના ઝડપી બોલર ભુવનેશ્વરકુમારને સંદીપ શર્માની જગ્યાએ ટીમમાં સામેલ કરાયો હતો. જ્યારે કોલકાતાએ કુલ 3 ફેરફાર કર્યા હતાં.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news