)
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ વિશ્વની સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગ ચે. તેની શરૂઆત 2008મા થઈ હતી અને અત્યાર સુધી 18 સિઝન રમાઈ છે. પહેલી સિઝનમાં એક ઘટનાને લાંબા સમય સુધી છુપાવવામાં આવી. 2008મા મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્ર ઇલેવન પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં હરભજન સિંહે એસ શ્રીસંતને લાફો માર્યો હતો. હવે આઈપીએલના સંસ્થાપક અને પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ હરભજન અને શ્રીસંત વચ્ચે થયેલી આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે.
બિયોન્ડ23 ક્રિકેટ પોડકાસ્ટ પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્ક સાથે વાતચીતમાં લલિત મોદીએ તે વીડિયોનો અંશ શેર કર્યો, જે ટેલિકાસ્ટમાં દેખાડવામાં આવ્યો નહીં. આ ફુટેજ દેખાડતા પહેલા લલિત મોદીએ કહ્યુ- 'મેચ પૂરી થઈ ગઈ હતી, કેમેરા બંધ હતા. મારો એક સુરક્ષા કેમેરો ચાલું હતો. તેમાં શ્રીસંત અને ભજ્જીની ઘટના કેદ થઈ ગઈ હતી.'
One of the wildest moments in IPL history, Unseen footage of the Bhajji–Sreesanth slapgate that never been aired#IPL pic.twitter.com/E9Ux8bodOW
— Vishal (@Fanpointofviews) August 29, 2025
તાજેતરમાં હરભજને શ્રીસંત સાથે થયેલી લાફાકાંડની ઘટના પર ખેદ વ્યક્ત કરતા કહ્યુ કે જો તેને તક મળે તો તે પોતાના કરિયરમાંથી આ ક્ષણ પલટવા ઈચ્છશે. આર અશ્વિન સાથે વાતચીતમાં ભજ્જીએ કહ્યુ- એક વસ્તુ જે હું મારા જીવનમાં બદલવા ઈચ્છીશ, તે છે શ્રીસંતની સાથે થયેલી ઘટના. હું તે ઘટનાને મારા કરિયરમાંથી હટાવવા ઈચ્છુ છં. આ તે ઘટના છે જેને હું મારા લિસ્ટમાંથી હટાવવા ઈચ્છીશ. જે થયું તે ખોટું હતું અને મારે તે નહોતું કરવાનું જે મેં કર્યું. મેં અનેક વખત માફી માંગી. મને સૌથી ખરાબ તે લાગ્યું કે એ ઘટનાના વર્ષો બાદ પણ હું દરેક તક કે મંચ પર માફી માંગતો રહ્યો છું. તે એક ભૂલ હતી.
હરભજને કહ્યુ હતું- વર્ષો બાદ પણ મને જે વાતે દુખ પહોંચાડ્યું, તે એ હતી કે જ્યારે હું તેની દીકરીને મળ્યો અને તેની સાથે પ્રેમથી વાત કરી રહ્યો હતો. તો તેણે કહ્યું, 'હું તમારી સાથે વાત કરવા ઈચ્છતી નથી. તમે મારા પપ્પાને માર્યા છે. મારૂ દિલ તૂટી ગયું હતું અને હું રડવા લાગ્યો હતો. હું ખુદને પૂછી રહ્યો હતો કે મેં તેના પર કયો પ્રભાવ છોડ્યો છે? તે મારા વિશે ખોટું વિચારી રહી હશે. તે મને એ વ્યક્તિના રૂપમાં જુએ છે જેણે તેના પિતાને માર્યું હતું. મને ખરાબ લાગ્યું હતું. હું હજુ પણ તેની દીકરીની માફી માંગુ છું.'