)
Asia Cup 2025 : ભારત માટે એશિયા કપ 2025માં શ્રીલંકા સામેની મેચ ફક્ત એક પ્રેક્ટિસ હતી. ટીમ ઇન્ડિયાએ ફાઇનલ પહેલા જસપ્રીત બુમરાહ અને શિવમ દુબેને આરામ આપ્યો હતો. બેન્ચ પર બેઠેલા અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાને રમવાની તક આપવામાં આવી હતી. તેમ છતાં ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયા માટે આ મેચ તણાવનું કારણ બની છે. હાર્દિક પંડ્યાએ ક્રેમ્પને કારણે પહેલી ઓવર ફેંક્યા પછી મેદાન છોડી દીધું અને પાછો ફર્યો નહીં.
અભિષેક અને તિલકે પણ મેદાન છોડ્યું
હાર્દિક પંડ્યા પછી યુવા બેટ્સમેન અભિષેક શર્મા અને તિલક વર્માને પણ શ્રીલંકાની ઇનિંગ દરમિયાન મેદાન છોડવું પડ્યું. 10મી ઓવરના બીજા બોલ પછી અભિષેક મેદાન છોડીને ગયો. 18મી ઓવરમાં તિલક વર્મા ઈજાગ્રસ્ત થયો. દાસુન શનાકાએ અક્ષર પટેલની બોલ પર મિડ-વિકેટ પર સિક્સર ફટકારી. વર્માએ બોલ રોકવા માટે ઊંચો કૂદકો માર્યો અને લેન્ડિંગ વખતે તિલકને પગમાં તકલીફ થઈ અને તે યોગ્ય રીતે ચાલી શકતો નહોતો. તેથી તેને મેદાન છોડવું પડ્યું અને શિવમ દુબે ફિલ્ડિંગમાં આવ્યો.
હાર્દિક અને અભિષેક ક્રેમ્પની સમસ્યા થઈ હતી. આ જ કારણે બંને ખેલાડીઓ મેદાન છોડીને બહાર ગયા હતા. બોલિંગ કોચ મોર્ને મોર્કેલે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અભિષેક ઠીક છે, જ્યારે હાર્દિક હાલમાં નિરીક્ષણ હેઠળ છે. દુબઈમાં ખૂબ જ ગરમી છે અને આ જ કારણે ખેલાડીઓ ક્રેમ્પ અનુભવી રહ્યા છે.
ફાઇનલ પહેલા માત્ર એક દિવસ બાકી
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025 ટાઇટલ મેચ રમાવાની છે. બંને ટીમો 28 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટકરાશે. ભારતીય ટીમ આશા રાખશે કે ત્રણેય ખેલાડીઓ ફિટ રહેશે. અભિષેક ટુર્નામેન્ટનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. હાર્દિક પંડ્યા ફિનિશરની ભૂમિકા ભજવે છે અને નવા બોલથી બોલિંગ પણ કરે છે. તિલક મિડલ ઓર્ડરમાં સારા ફોર્મમાં છે.