ભારત માટે ફક્ત બે ટેસ્ટ રમનાર ખેલાડીને BCCIએ બનાવ્યો હેડ કોચ, ઇંગ્લેન્ડ જવા માટે છે તૈયાર

India Tour of England 2025 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટરને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ઈન્ડિયા-A ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આ ખેલાડીએ ભારત માટે ફક્ત બે ટેસ્ટ મેચ રમી છે. હવે તે ઇંગ્લેન્ડની પરિસ્થિતિમાં યુવા ભારતીય પ્રતિભાને નિખારવાની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળશે. 

ભારત માટે ફક્ત બે ટેસ્ટ રમનાર ખેલાડીને BCCIએ બનાવ્યો હેડ કોચ, ઇંગ્લેન્ડ જવા માટે છે તૈયાર

India Tour of England 2025 : ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઇંગ્લેન્ડના મહત્વપૂર્ણ પ્રવાસ માટે રવાના થશે, જેમાં ઈન્ડિયા-A ટીમ અને સિનિયર ટીમ બંને હશે. ઈન્ડિયા-A ટીમનો પ્રવાસ 30 મેથી શરૂ થશે. આ ટીમની કમાન અભિમન્યુ ઈશ્વરનના હાથમાં છે. ઈન્ડિયા-A ટીમ ઇંગ્લેન્ડ લાયન્સ સામે બે ફર્સ્ટ-ક્લાસ મેચ રમશે, જે યુવા ભારતીય ખેલાડીઓ માટે અનુભવ મેળવવા અને આંતરરાષ્ટ્રીય સ્તરના વાતાવરણનો અનુભવ કરવાની તક હશે. આ ઉપરાંત ઈન્ડિયા-Aને સિનિયર ભારતીય ટીમ સામે પ્રેક્ટિસ મેચ પણ રમવાની છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. BCCIએ ઈન્ડિયા-A ટીમના મુખ્ય કોચની જાહેરાત કરી છે, જે આ પ્રવાસ પર ટીમ સાથે રહેશે.

BCCIએ મુખ્ય કોચની કરી જાહેરાત 

BCCIએ આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ઈન્ડિયા-A ટીમના મુખ્ય કોચ તરીકે ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઋષિકેશ કાનિટકરની નિમણૂક કરી છે. ઋષિકેશ કાનિટકરે ભારત માટે બે ટેસ્ટ મેચ રમી છે. જોકે, તેને કોચિંગનો સારો અનુભવ છે. આ પ્રવાસ 30 મેથી શરૂ થવાનો છે. રાજીબ દત્તા ટીમના બોલિંગ કોચ રહેશે, જ્યારે જોયદીપ ભટ્ટાચાર્ય ફિલ્ડિંગ કોચ રહેશે. અભિમન્યુ ઈશ્વરનના નેતૃત્વ હેઠળની ઈન્ડિયા-A ટીમ તેના આગામી ઈંગ્લેન્ડ પ્રવાસમાં ત્રણ મેચ રમવાની છે - બે મેચ ઈંગ્લેન્ડ લાયન્સ સામે (30 મે-2 જૂન કેન્ટરબરીમાં અને 6-9 જૂન નોર્થમ્પ્ટનમાં) અને ત્યારબાદ એક મેચ સિનિયર ઈન્ડિયા ટીમ સામે (13-16 જૂન) રમશે.

ભારત માટે બે ટેસ્ટ અને 34 વનડે રમી ચૂકેલા અત્યંત અનુભવી કાનિટકરે 146 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 52.56ની સરેરાશથી 10,400 રન બનાવ્યા છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ખેલાડીએ અગાઉ ભારતીય મહિલા ટીમ (2022 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર), ઈન્ડિયા-A અને ભારત અંડર-19 ટીમ (2022 અંડર-19 વર્લ્ડ કપ જીતનાર)ને કોચિંગ આપ્યું છે. ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ખેલાડીઓના પ્રથમ જૂથ સાથે ઇંગ્લેન્ડ પહોંચશે અને ઈન્ડિયા-Aની બીજી મેચ જોશે. 20 જૂનથી લીડ્સમાં શરૂ થનારી ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય સિનિયર ટીમની તૈયારી માટે 'શેડો ટૂર' ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ટીમ ઈન્ડિયાની જાહેરાત ક્યારે થશે ?

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય સિનિયર ક્રિકેટ ટીમની ટેસ્ટ ટીમની જાહેરાત આવતા અઠવાડિયે થવાની ધારણા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પસંદગીકારો 23 મે, 2025ની આસપાસ ઇંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે ટીમ પસંદ કરી શકે છે. પસંદગીકારોએ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ઈન્ડિયા-A ટીમની જાહેરાત કરી દીધી છે, જેમાં કેટલાક ખેલાડીઓનો સમાવેશ થાય છે જે સિનિયર ટીમમાં પણ જોવા મળશે. આ સાથે ટીમ ઈન્ડિયાના આગામી ટેસ્ટ કેપ્ટનનું નામ પણ નક્કી કરવામાં આવશે, કારણ કે રોહિત શર્માએ ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધા બાદ આ પદ ખાલી છે. યુવા બેટ્સમેન શુભમન ગિલ આ રેસમાં આગળ ચાલી રહ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news