)
IND vs SA: ભારતીય ટીમના શાનદાર પ્રદર્શનના કારણે સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝમાં 2-1થી જીત મેળવી હતી. સિરીઝનો પહેલી મેચ રાંચીમાં રમાઈ હતી, આ મેચ ભારતીય ટીમે 17 રનથી જીતી હતી. ત્યારબાદ મહેમાન ટીમે વાપસી કરતા રાયપુર વનડેમાં 4 વિકેટે જીત મેળવી હતી. આ પછી કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ વિશાખાપટ્ટનમમાં રમાયેલા નિર્ણાયક મુકાબલામાં 9 વિકેટે વિજય મેળવ્યો હતો.
વનડે સિરીઝમાં જીત મેળવ્યા પછી ભારતીય ટીમ પર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય ટીમ પર મેચ ફીના 10 ટકા દંડ લગાવવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકા સામે રાયપુરમાં રમાયેલી બીજી વનડેમાં સ્લો ઓવર રેટના કારણે ભારતીય ટીમને આ સજા મળી છે.
એમિરેટ્સ ICC એલીટ પેનલ ઓફ મેચ રેફરીના સભ્ય રિચી રિચર્ડસને આ સજા એટલા માટે સંભળાવી, કારણ કે ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત સમયમાં બે ઓવર ઓછી ફેંકી હતી. આ કાર્યવાહી ICCના આચાર સંહિતાના અનુચ્છેદ 2.22 હેઠળ કરવામાં આવી છે, જે લઘુત્તમ ઓવર-રેટ ઉલ્લંઘન સાથે જોડાયેલા મામલાઓ પર લાગુ થાય છે.
India fined for breach of ICC Code of Conduct against South Africa 👀https://t.co/CZO3nv5rcR
— ICC (@ICC) December 8, 2025
સ્લો ઓવર રેટ માટે શું નિયમ છે?
નિયમો અનુસાર, નિર્ધારિત સમયમાં ઓવર પૂરી ન કરવાના કારણે ખેલાડીઓ પર પ્રતિ ઓવરના દરે 5 ટકા દંડ ફટકારવામાં આવે છે. ભારતે બે ઓવર ઓછી ફેંકી હોવાના કારણે મેચ ફીના 10 ટકા દંડ લાગુ થયો. ભારતીય ટીમના કાર્યકારી કેપ્ટન કેએલ રાહુલે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી, તેથી કોઈ ઔપચારિક સુનાવણીની જરૂરિયાત રહી નહોતી.
નોંધનીય છે કે, રાયપુર વનડેમાં ભારતીય ટીમે વિરાટ કોહલી (102) અને ઋતુરાજ ગાયકવાડ (105)ની શાનદાર ઈનિંગ્સની મદદથી 358/5નો મોટો સ્કોર બનાવ્યો હતો. તેમ છતાં ભારતીય ટીમને રાયપુર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સાઉથ આફ્રિકાએ એઈડન માર્કરમ (110 રન)ની બેસ્ટ ઈનિંગ્સના દમ પર 4 વિકેટે મેચ જીતી લીધી હતી.