)
Asia Cup 2025 : એશિયા કપ 2025માં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. મેચ પછી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ પણ પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. પાકિસ્તાનનો આરોપ છે કે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે સલમાનને ટોસ દરમિયાન હાથ ન મિલાવવા કહ્યું હતું. ત્યારબાદ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પાયક્રોફ્ટને એશિયા કપમાંથી દૂર કરવાની વિનંતી સાથે ICCનો સંપર્ક કર્યો.
ICCએ વિનંતી ફગાવી દીધી
જો એન્ડી પાયક્રોફ્ટને દૂર કરવામાં નહીં આવે તો પાકિસ્તાને UAE સામેની મેચનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. આ પછી પણ, ICCએ એશિયા કપમાંથી એન્ડી પાયક્રોફ્ટને દૂર કરવાની વિનંતી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાને વિનંતી કરી હતી કે પાયક્રોફ્ટને તેમની મેચમાં સામેલ ન કરવામાં આવે, જેને ICCએ સ્વીકારી નહોતી. આ પછી પણ એન્ડી પાયક્રોફ્ટ UAE અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં મેચ રેફરી રહ્યા.
પાકિસ્તાનીએ જ પાકિસ્તાનનું નાક કાપ્યું
ICCએ એશિયા કપમાંથી એન્ડી પાયક્રોફ્ટને દૂર કરવાની વિનંતી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ICCના ક્રિકેટ જનરલ મેનેજર વસીમ ખાન દ્વારા PCBને આની જાણ કરવામાં આવી હતી. તેમણે વિનંતી નકારવા અંગે PCBને ઇમેઇલ કર્યો. રસપ્રદ વાત એ છે કે, વસીમ ખાન અગાઉ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના CEO તરીકે સેવા આપી ચૂક્યા છે. 54 વર્ષીય વસીમ 2018માં PCBમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે જોડાયા હતા. ઇંગ્લેન્ડમાં જન્મેલા વસીમે 58 ફર્સ્ટ-ક્લાસ મેચ અને 30 લિસ્ટ A મેચ રમી છે.
જય શાહ, ICC પ્રમુખ
BCCIના પૂર્વ સચિવ જય શાહ ICC પ્રમુખ છે. જોકે, તેઓ આ સમગ્ર મામલામાં ગેરહાજર રહ્યા. વસીમ ખાન PCBના સભ્ય રહી ચૂક્યા છે અને પાકિસ્તાનના નાટકોથી સારી રીતે વાકેફ છે. આ જ કારણ છે કે તેમણે ICC વતી આ મામલો સંભાળ્યો.