IND vs ENG: ટી20 બાદ વનડેમાં ભારતની ધમાકેદાર શરૂઆત, ઈંગ્લેન્ડને 66 રને હરાવ્યું

ENG vs IND: ભારતીય ટીમે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ઈંગ્લેન્ડને 66 રને પરાજય આપી શાનદાર શરૂઆત કરી છે. 
 

IND vs ENG: ટી20 બાદ વનડેમાં ભારતની ધમાકેદાર શરૂઆત, ઈંગ્લેન્ડને 66 રને હરાવ્યું

પુણેઃ IND vs ENG: ટેસ્ટ અને ટી20 સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમે વનડે સિરીઝમાં પણ ધમાકેદાર શરૂઆત કરી છે. પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 66 રને પરાજય આપી ત્રણ  મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 5 વિકેટે 50 ઓવરમાં 317 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિરાટ કોહલી, શિખર ધવન, ક્રુણાલ પંડ્યા અને કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 251 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

ઈંગ્લેન્ડની વિસ્ફોટક શરૂઆત
ભારતે આપેલા 318 રનના લત્ર્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને જોની બેયરસ્ટો અને જેસન રોયે આક્રમક શરૂઆત અપાવી હતી. બન્નેએ પ્રથમ પાવરપ્લેમાં જ 89 રન ફટકારી દીધા હતા. રોય-બેયરસ્ટોએ પ્રથમ વિકેટ માટે 135 રનની ભાગીદારી કરી હતી. ભારતને પ્રથમ સફળતા જેસન રોય (46)ના રૂપમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ અપાવી હતી. રોય 35 બોલમાં 7 ચોગ્ગા અને એક છગ્ગો ફટકારી આઉટ થયો હતો. 

પ્રસિદ્ધ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુરે કરાવી ભારતની વાપસી
એક સમયે ઈંગ્લેન્ડની ટીમ મજબૂત સ્થિતિમાં હતી. પરંતુ પોતાની પ્રથમ મેચ રમી રહેલા પ્રસિદ્ધ કૃષ્ણાએ પહેલા જેસન રોયને આઉટ કરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વિકેટ હાસિલ કરી હતી. ત્યારબાદ કૃષ્ણાએ ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા બેન સ્ટોક્સ (1)ને આઉટ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી. શાર્દુલ ઠાકુરે કેપ્ટન ઇયોન મોર્ગન (22) અને જોસ બટલર (1)ને આઉટ કર્યા હતા. 

જોની બેયરસ્ટો સદી ચુક્યો
ઈંગ્લેન્ડને વિસ્ફોટક શરૂઆત અપાવનાર જોની બેયરસ્ટો સદી ચુકી ગયો હતો. બેયરસ્ટોએ 66 બોલમાં 7 છગ્ગા અને છ ચોગ્ગા સાથે 94 રન બનાવ્યા હતા. તે સિક્સ ફટકારી સદી પૂરી કરવાના પ્રયાસમાં કેચઆઉટ થયો હતો. આ સફળતા પણ શાર્દુલને મળી હતી. 

સેમ બિલિંગ્સ (18)ને પ્રસિદ્ધ કૃષ્ણાએ આઉટ કર્યો હતો. મોઇન અલી (30) રન બનાવી ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો. અલીએ 37 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. સેમ કરન (12)ને ક્રુણાલ પંડ્યાએ આઉટ કરી તેના વનડે કરિયરની પ્રથમ વિકેટ ઝડપી હતી. આદિલ રાશિદ (0) રન બનાવી ભુવીનો શિકાર બન્યો હતો. 

ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ 54 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય ભુવનેશ્વર કુમારને બે, શાર્દુલ ઠાકુરને ત્રણ અને ક્રુણાલ પંડ્યાને એક વિકેટ મળી હતી. 

ભારતની ધીમી શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ધીમી રહી હતી. શિખર ધવન અને રોહિત શર્માએ શરૂઆતમાં સંભાળીને બેટિંગ કરી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ પાવરપ્લેમાં વિના વિકેટે 39 રન બનાવ્યા હતા. ભારતીય ટીમને પ્રથમ ઝટકો 16મી ઓવરના પ્રથમ બોલે રોહિત શર્મા (28)ના રૂપમાં લાગ્યો હતો. રોહિતને બેન સ્ટોક્સે આઉટ કર્યો હતો. રોહિતે 42 બોલમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. 

શિખર ધવન વચ્ચે સદીની ભાગીદારી
પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન કોહલી ક્રીઝ પર આવ્યો હતો. તેણે ધવન સાથે મળી પહેલા ટીમનો સ્કોર 100ને પાર અને ત્યારબાદ 150ને પાર પહોંચાડ્યો હતો. આ દરમિયાન બન્નેએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. ધવન અને કોહલીએ બીજી વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી હતી. કોહલી 60 બોલમાં 6 ચોગ્ગા સાથે 56 રન બનાવી માર્ક વુડનો શિકાર બન્યો હતો. 

શિખર ધવન સદી ચુક્યો
ટી20 મેચમાં ટીમમાંથી બહાર રહેલા શિખર ધવને આજે શાનદાર બેટિંગ કરી હતી. પરંતુ ધવન પોતાની સદી ચુકી ગયો હતો. તેણે 106 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે શાનદાર 98 રન બનાવ્યા હતા. ધવન બેન સ્ટોક્સની ઓવરમાં આઉટ થયો હતો. શ્રેયસ અય્ર માત્ર 6 રન બનાવી માર્ક વુડનો શિકાર બન્યો હતો. હાર્દિક પંડ્યા (1)ને બેન સ્ટોક્સે બેયરસ્ટોના હાથે કેચ કરાવી ભારતને પાંચમો ઝટકો આપ્યો હતો. 

કેએલ રાહુલ અને ક્રુણાલ પંડ્યાએ ટીમનો સ્કોર 300ને પાર પહોંચાડ્યો
ભારતીય ટીમે 40 ઓવરમાં 205 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેએલ રાહુલ અને ક્રુણાલ પંડ્યાએ અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરી હતી. બન્નેએ છઠ્ઠી વિકેટ માટે 112 રનની ભાગીદારી રી હતી. પોતાની પ્રથમ વનડે મેચ રમી રહેલા ક્રુણાલે આક્રમક બેટિંગ કરતા માત્ર 26 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. તો ટી20 સિરીઝમાં ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા રાહુલે 43 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે અણનમ 62 રન બનાવ્યા હતા. ક્રુણાલ 31 બોલમાં 7 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 58 રન બનાવી અણનમ રહ્યો હતો. 

ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 8 ઓવરમાં 34 રન આપી 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય માર્ક વુડને બે સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news