)
India vs Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 એશિયા કપ 2025ના મુકાબલામાં થોડા કલાકો બાકી છે, પરંતુ આ વખતે ફેન્સમાં દર વખતની જેમ ક્રેઝ જોવા નથી મળી રહ્યો. ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા માટે ટિકિટ મેળવવી મુશ્કેલ બની જતું હતું, પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ મેચમાં રસ દાખવી રહ્યું નથી. આ ટક્કર 14 સપ્ટેમ્બરે દુબઈમાં યોજાવાની છે, જેનો ભારતમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ફેન્સથી લઈને ઘણા પૂર્વ ક્રિકેટરો સુધી દરેક વ્યક્તિ ભારતને આ મેચનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ કહી રહ્યું છે કે, શું ક્રિકેટ મેચ દેશ કરતાં વધુ મહત્વપૂર્ણ છે? પ્રશ્ન એ પણ છે કે શું આ મેચ જરૂરી છે કે શું ભારત કોઈ મજબૂરીને કારણે આ મેચ રમી રહ્યું છે? આ દરમિયાન એક પૂર્વ ભારતીય ક્રિકેટરે આ મહાજંગ અંગે મોટું નિવેદન આપ્યું છે.
પાકિસ્તાન સાથેની મેચનો બહિષ્કારની માંગ
પહેલગામ હુમલા પછી પહેલીવાર ભારત અને પાકિસ્તાનની ટીમો ક્રિકેટના મેદાન પર ટકરાવવા માટે તૈયાર છે, પરંતુ આ મેચનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. હરભજન સિંહ, અંબાતી રાયડુ સહિત ઘણા પૂર્વ ભારતીય ક્રિકેટરો પાકિસ્તાન સામેની આ મેચનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. અગાઉ ઇંગ્લેન્ડમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ કરવી પડી હતી. કારણ કે ઘણા ભારતીય ખેલાડીઓએ રમવાનો ઇનકાર કર્યો હતો. ફેન્સ ઇચ્છે છે કે, ભારત એશિયા કપમાં પણ પાકિસ્તાન સામે મેચ ન રમે.
'ઓલિમ્પિક્સમાં આપણી દાવેદારી અને...'
પૂર્વ ભારતીય ક્રિકેટર અતુલ વાસનએ આ અંગે નિવેદન આપ્યું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચ કેમ થઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, પાકિસ્તાનની મજબૂરી છે કે તેને ભારત સાથે ક્રિકેટ મેચ રમવી પડી રહી છે. ભારત રમે કે ન રમે તેનાથી તેમને કોઈ ફરક પડશે નહીં. અતુલ વાસન કહ્યું કે, 'બે મહિના પહેલા સુધી એવું લાગતું હતું કે ભારત અને પાકિસ્તાન ક્યારેય સાથે નહીં રમે, પરંતુ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે... ઓલિમ્પિક્સમાં આપણી દાવેદારી અને અન્ય રમતો માટે વિવિધ પરવાનગીઓ મળવાને કારણે આ મેચ થઈ રહી છે.'
#WATCH | Gurugram, Haryana: On the India vs Pakistan match to be held in Asia Cup 2025, Former Indian cricketer Atul Wassan says, "Until two months ago, it seemed that India and Pakistan would never play together. But circumstances changed... Due to our Olympics bidding, with… pic.twitter.com/Y7yO9xHQtt
— ANI (@ANI) September 13, 2025
'આ મેચ એકતરફી રહેશે...'
પૂર્વ ક્રિકેટરે વધુમાં કહ્યું કે, 'આ પાકિસ્તાની ક્રિકેટ માટે સૌભાગ્યની વાત છે. તેમને પોતાના અસ્તિત્વ માટે ભારત સાથે રમવાની જરૂર છે. ભારતને તેનાથી કોઈ ફર્ક પડવાનો નથી... જો પૂછવામાં આવે કે, શું આ મેચ થવી જોઈએ, તો હું આપણા વડાપ્રધાન અને સરકારના શબ્દોને પુનરાવર્તન કરીશ અને કહીશ કે તે થવી જોઈએ, કારણ કે તેના તાર ક્યાંક બીજે ક્યાંક જોડાયેલા છે. તે એક સિદ્ધ તથ્ય છે કે આપણે ક્રિકેટમાં ખૂબ જ સારા છીએ... તેથી મને લાગે છે કે તે આપણા માટે એકતરફી મેચ હશે.'
પહેલગામ હુમલા બાદ ગુસ્સામાં ફેન્સ
આ વર્ષે એપ્રિલમાં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ધર્મના નામે 26 નિર્દોષ અને નિઃશસ્ત્ર લોકો માર્યા ગયા હતા. ભારતે આ અંગે કડક કાર્યવાહી કરી અને 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું અને પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ભારતના આ પગલા બાદ બન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો. ભારતે પાકિસ્તાન સાથેના ઘણા કરારો પર રોક લગાવી દીધી. ત્યારથી ભારતીય ક્રિકેટ ફેન્સમાં ગુસ્સો છે. તેઓ કહે છે કે, જ્યારે પાણી અને લોહી સાથે વહી શકતા નથી, તો પછી પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ કેમ? હવે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને હોબાળો મચી ગયો છે.