)
IND vs SA: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે. સિરીઝમાં 1-0થી પાછળ ચાલી રહેલી ટીમ ઈન્ડિયા હવે શનિવારથી ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ રમવા માટે ઉતરશે. આ મેચ ટીમ ઈન્ડિયા માટે કરો યા મરો રહેવાની છે. સિરીઝ બચાવવા ટીમ ઈન્ડિયાએ મેચ જીતવી પડશે. પરંતુ આ પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન શુભમન ગિલ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.
ગુવાહાટી ટેસ્ટમાંથી બહાર થયો આ સ્ટાર ખેલાડી
ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન શુભમન ગિલ આ સમયે ઈજામાં છે. કોલકત્તા ટેસ્ટ દરમિયાન તેને નેક સ્પેઝ્મની ફરિયાદ થઈ હતી. જેના કારણે તે મેચમાંથી બહાર થઈ ગયો હતો અને કોલકત્તાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી બીસીસીઆઈ અને સ્થાનિક ડોક્ટરો તેની સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બીસીસીઆઈએ સાવચેતીના ભાગરૂપે મોટો નિર્ણય લેતા ગિલને ટીમમાંથી રિલીઝ કરી દીધો છે અને તે ગુવાહાટી ટેસ્ટમાં રમશે નહીં.
શુભમન ગિલ 19 નવેમ્બરે ટીમ સાથે ગુવાહાટી પહોંચ્યો હતો. પરંતુ 20 નવેમ્બરે તેણે નેટ સત્રમાં ભાગ લીધો નહીં. ત્યારબાદ સામે આવ્યું કે તે મુંબઈ રવાના થઈ ગયો છે, જ્યાં પોતાની ઈજા પર કામ કરશે. તે મુંબઈમાં બે-ત્રણ દિવસ આરામ કરશે અને ત્યારબાદ ડો. દિનશો પારદીવાલાની સલાહ લેશે. ત્યારબાદ રિકવરી પ્રોસેસ માટે બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સલેન્સ જઈ શકે છે.
પંત સંભાળશે કમાન
શુભમન ગિલની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની આગેવાની રિષભ પંત કરશે. પાછલી મેચમાં ગિલને ઈજા થયા બાદ પંતે મેદાન પર ટીમને સંભાળી હતી. તો ગિલની જગ્યાએ સાઈ સુદર્શન અને નીતિશ કુમાર રેડ્ડીમાંથી કોઈ એક ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે.