)
India vs South Africa 5th T20 : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની અંતિમ મેચ શુક્રવાર, 19 ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરશે, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમનું નેતૃત્વ એડન માર્કરમ કરશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે.
ભારતીય ટીમ પાંચ મેચની T20 શ્રેણીમાં 2-1થી આગળ છે અને આ મેચ જીતીને શ્રેણી જીતવાનો લક્ષ્ય રાખશે. વર્લ્ડ કપ પહેલા છ T20 મેચ બાકી હોવાથી, દરેક મેચ મહત્વપૂર્ણ છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ ભલે શ્રેણી જીતી ન શકે, પરંતુ તેઓ શ્રેણી બરાબર કરવાનો પ્રયાસ કરશે.
આ મેચ માટે ભારતની પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક ફેરફારો થઈ શકે છે. લખનૌમાં ચોથી T20 મેચ ભારે ધુમ્મસને કારણે ટોસ વિના રદ કરવામાં આવી હતી. વાઈસ-કેપ્ટન શુભમન ગિલ પગમાં ઈજાને કારણે તે મેચ માટે ઉપલબ્ધ નહોતો. શુભમન ગિલ માટે આ એક મોટો ફટકો છે, જે તાજેતરમાં ગરદનની ઇજામાંથી સ્વસ્થ થયા પછી ટીમમાં પાછો ફર્યો છે. ચોથી અને પાંચમી T20 વચ્ચે માત્ર એક દિવસનું અંતર હોવાથી શુભમન અંતિમ મેચમાં રમવાની શક્યતા ઓછી છે.
ભારતની પ્લેઇંગ ઇલેવનમાં થઈ શકે છે આ ફેરફાર
શુભમન ગિલની ગેરહાજરીમાં સંજુ સેમસનને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકાય છે. તે ઓપનિંગ ભૂમિકામાં પાછો ફરી શકે છે, જ્યાં તેણે T20 ક્રિકેટમાં સૌથી વધુ સફળતા મેળવી છે. અત્યાર સુધી સંજુ સેમસનને આ શ્રેણીમાં બેન્ચ પર રાખવામાં આવ્યો છે.
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વ્યક્તિગત કારણોસર ત્રીજી ટી20 મેચ ચૂકી ગયો. જો કે, બુમરાહ ટીમમાં ફરી જોડાયો છે અને લખનૌમાં ભારતીય ખેલાડીઓ સાથે તાલીમ લેતો જોવા મળ્યો છે. બુમરાહ અંતિમ ટી20 મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં પાછો ફરી શકે છે. જો બુમરાહ રમે છે તો હર્ષિત રાણાને બાહાર રાખવામાં આવશે. વોશિંગ્ટન સુંદર કુલદીપ યાદવનું સ્થાન લઈ શકે છે.
પાંચમી T20 માટે ભારતની સંભવિત પ્લેઇંગ 11 : અભિષેક શર્મા, સંજુ સેમસન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.