)
BCCI News: આશરે 12 વર્ષ સુધી ઘરમાં કોઈ ટેસ્ટ સિરીઝ નહીં હારનારી ટીમ ઈન્ડિયાએ છેલ્લા બાર મહિનામાં બે વખત હારનો સામનો કરવો પડ્યો છે. માત્ર હાર નહીં, પરંતુ સૂપડા સાફ થયા છે. 2012થી 2024 વચ્ચે પોતાની ધરતી પર માત્ર 5-6 મેચ હારનારી ટીમ ઈન્ડિયા 2024મા ન્યૂઝીલેન્ડ સિરીઝથી સાઉથ આફ્રિકા સિરીઝ વચ્ચે 7માંથી 5 મેચ હારી છે. આ બધુ કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળમાં થયું છે. માત્ર ગંભીર જ નહીં પરંતુ મુખ્ય પસંદગીકાર અજીત અગરકર પણ સવાલોના ઘેરામાં છે. પરંતુ તેવું લાગે છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ હાલમાં કોઈ પ્રકારની કાર્યવાહી કરવાના મૂડમાં નથી.
પરિવર્તનનો સમય, નિર્ણય લેવામાં ઉતાવળ નહીં
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં જણાવાયું છે કે એક વર્ષમાં બે ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવાના અપમાનનો સામનો કરવા છતાં, ભારતીય ક્રિકેટ બોર્ડ કોઈ ઉતાવળિયા પગલાં લેવાની યોજના બનાવી રહ્યું નથી. બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે બોર્ડ કોઈપણ ઉતાવળિયા પગલાં લેવા માટે અનિચ્છા ધરાવે છે કારણ કે તેઓ એવું પણ માને છે કે ટીમ પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. તે એવો પણ દાવો કરે છે કે બોર્ડ હાલમાં ખેલાડીઓમાં કોઈ ફેરફાર કરવાનો આદેશ આપવાની યોજના બનાવી રહ્યું નથી.
વિશ્વકપ સુધી ગંભીરનો કોન્ટ્રાક્ટ
તો શું ગૌતમ ગંભીરની નોકરી હાલ સુરક્ષિત છે? રિપોર્ટમાં બોર્ડના સૂત્ર તરફથી દાવો કરવામાં આવ્યો છે, તેનાથી આ સંકેત મળે છે. તે પ્રમાણે, અમે તે 'અમે તેને (ગંભીર) લઈને કોઈ પ્રકારનો નિર્ણય હાલ નહીં લઈએ કારણ કે વર્લ્ડ કપ પાસે છે અને તેનો કોન્ટ્રાક્ટ વર્લ્ડ કપ 2027 સુધી છે.' જુલાઈ 2024મા ગંભીરની નિમણૂંક ભારતના મુખ્ય કોચ તરીકે કરવામાં આવી હતી અને તેને 3 વર્ષનો કાર્યકાળ આપવામાં આવ્યો હતો, જે વિશ્વકપ 2027ના અંત સુધી ચાલશે. પરંતુ તે જરૂર છે કે BCCI અધિકારી આ હાર બાદ પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટ સાથે વાત કરશે અને આગળના પ્લાન પર ચર્ચા કરશે.
ટીમ ઈન્ડિયાની આગામી ટેસ્ટ સિરીઝમાં સમય
તે સ્પષ્ટ છે કે 12 મહિનામાં ઘરમાં 5 ટેસ્ટ મેચ હારવા છતાં કોચ ગૌતમ ગંભીરની જગ્યા પર હાલ કોઈ ખતરો નથી, જ્યારે ખેલાડીઓ અને સિલેક્ટર્સની જગ્યા પણ સુરક્ષિત છે. હવે ટીમ ઈન્ડિયાએ આગામી ટેસ્ટ સિરીઝ ઓગસ્ટ 2026મા રમવાની છે, જ્યારે તે શ્રીલંકાનો પ્રવાસ કરશે. તો ઘરમાં આગામી ટેસ્ટ સિરીઝ 2027મા છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે આવશે. તેવામાં ગંભીર પાસે આ ફોર્મેટ માટે રણનીતિ બનાવવામાં લાંબો સમય છે.