)
ટીમ ઈન્ડિયાએ છેલ્લા એક દોઢ વર્ષમાં ઘર આંગણે જે પ્રદર્શન કર્યું તે ખરેખર ચોંકાવનારું છે. ટીમ ઈન્ડિયાએ ગૌતમ ગંભીર હેડ કોચ બન્યા બાદ ઘરમાં સાત ટેસ્ટ મેચ ખેલી છે. જેમાંથી છેલ્લી પાંચ ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ગત વર્ષ 2024માં ન્યૂઝીલેન્ડે 3-0થી ભારતને હરાવીને ક્લીન સ્વિપ કર્યું હતું. હવે દક્ષિણ આફ્રીકાએ ઘરમાં ઘૂસીને ભારતને 2-0થી હરાવ્યું અને સૂપડાં સાફ કરી નાખ્યા.
આવામાં એ જાણવું ખુબ જરૂરી છે કે આખરે ગૌતમ ગંભીર એવી શું ભૂલો કરી રહ્યા છે કે અચાનક રાહુલ દ્રવિડના કોચિંગ બાદ તેમના નેતૃત્વમાં ઘર આંગણે ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સતત બગડી રહ્યું છે. એવા અનેક પોઈન્ટ્સ છે જેના પર આપણે નજર ફેરવી શકીએ છીએ. હવે ભારત આગામી 6-7 મહિના સુધી ટેસ્ટ ક્રિકેટ રમશે નહીં. હવે પછીનો પ્રવાસ શ્રીલંકાનો હશે જ્યાં જતા પહેલા ભારતે પોતાની આ સમસ્યાઓને પહોંચી વળવું પડશે. મીડિયા રિપોર્ટ મુજબ ગૌતમ ગંભીરની 3 એવી મોટી ભૂલો વિશે જાણીએ જેણે ઘર આંગણે ભારતનું પ્રદર્શન બગાડ્યું!
1. બેટિંગમાં પોઝિશનમાં સ્થિરતા નથી
ભારતીય ટીમને છેલ્લા એક દોઢ વર્ષમાં ઘર પર સતત મળી રહેલી ટેસ્ટ હાર બાદ સૌથી મોટી મુશ્કેલી અને ભૂલ જો સામે આવી હોય તો તે છે બેટિંગ ઓર્ડર. ભારતીય ટીમમાં નંબર 3ની સમસ્યા સતત ઊભરી રહી છે. શુભમન ગિલની ઈજા બાદ નંબર 4 ઉપર પણ ચર્ચા થવા લાગી. નંબર 3ની વાત કરીએ તો ભારતીય ટીમને ચેતેશ્વર પૂજારા બાદ કોઈ વિકલ્પ મળ્યો નથી. ભારતીય ટીમની પ્લેઈંગ 11 સ્થિર નથી. છેલ્લા 14 મહિનામાં 24 ખેલાડી રમી ચૂક્યા છે પરંતુ આમ છતાં તમારી પ્લેઈંગ 11 સ્થિર નથી.
આ સિરીઝમાં ગત મેચમાં વોશિંગ્ટન સુંદરને આ પોઝિશન પર તક મળી. આ મેચમાં સાઈ સુદર્શન પાછો આવી ગયો. તો આ પોઝિશનની સમસ્યા સામે ભારતીય ટીમ સતત ઝઝૂમી રહી છે. મધ્યમ ક્રમમાં પણ ભારત પાસે કોઈ એવા અનુભવી બેટર્સ નથી જે કોઈ પણ સ્થિતિમાં ટેસ્ટ ક્રિકેટમાં ક્રિઝ પર ટકી શકે અને મેચ કાઢી શકે. કરુણ નાયરે ઈંગ્લેન્ડ પ્રવાસમાં નિરાશ કર્યા હતા. અજિંક્ય રહાણેને તક મળી નહીં. આવા મુદ્દા પર ટીમ મેનેજમેન્ટ, સિલેક્ટર્સ અને કોચે આ અંગે વિચારવું જરૂરી છે.
2. અક્ષર પટેલની જગ્યાએ નીતિશ રેડ્ડી પર ભાર
નીતિશ રેડ્ડી પર છેલ્લા કેટલાક સમયથી સતત ટીમ ઈન્ડિયામાં વધુ પડતો ભાર મૂકાઈ રહ્યો છે. તેને લઈને ટીમ મેનેજમેન્ટનો મત પણ સ્પષ્ટ નથી. ટેસ્ટ સિરીઝ પહેલા તેને સ્ક્વોડથી રિલીઝ કરાયો. પછી જ્યારે ગિલ ઈજાગ્રસ્ત થયો તો તેને પાછો બોલાવવામાં આવ્યો. તક મળી રહી છે પરંતુ તે કશું ખાસ કરી શકતો નથી. તેના માટે થઈને અક્ષર પટેલને ટીમમાંથી બહાર કર્યો જે અનુભવની સાથે સાથે સારા બોલર અને બેટર્સ પણ સાબિત થઈ શકે તેમ હતો.
નીતિશે ગુવાહાટી ટેસ્ટમાં પહેલી ઈનિંગમાં 6 ઓવર અને બીજી ઈનિંગમાં 4 ઓવર જ બોલિંગ કરી હતી. તેણે 10 ઓવરમાં 49 રન આપ્યા અને કોઈ વિકેટ લીધી નહીં. બેટિંગમાં પણ તેણે નિરાશા જગાડી. એમસીજીમાં એક માત્ર સદી બાદથી છેલ્લી 10 ઈનિંગમાં તે 103 રન જ કરી શક્યો છે. તેની સરેરાશ માત્ર 10ની છે. ફક્ત 3 વખત તે ડબલ ડિજિટમાં પહોંચ્યો છે. આવામાં તેની ભૂમિકા અને પરફોર્મન્સને જોતા ટીમ મેનેજમેન્ટે યોગ્ય નિર્ણય લેવો પડશે.
3. પીચ ઓળખવામાં થાપ
ગૌતમ ગંભીરની સૌથી મોટી નિષ્ફળતા ટેસ્ટ ક્રેકિટમાં એક કોચ તરીકે જે ઉભરીને આવી છે તે છે તેમની પીચ ઓળખવામાં થાપ ખાઈ જવી. આ અગાઉ રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન પીચ અંગે તેઓ ખુબ ગંભીર જોવા મળતા હતા. તેમના કાર્યકાળમાં ટીમનું પ્રદર્શન પણ ખુબ શાનદાર હતું. પરંતુ ગૌતમ ગંભીરની કોચ તરીકે પીચને ઓળખવામાં નિષ્ફળતા સ્પષ્ટ જોવા મળી રહી છે. આ મેચ (ગુવાહાટી મેચ)ને જોઈએ તો દ.આફ્રીકાના બેટર્સને જોઈને એવું લાગતું હતું કોઈ અન્ય પીચ પર રમતા હોય અને ભારતીય બેટર્સ કોઈ અન્ય પીચ પર.
તેનું જો કોઈ કારણ હોય તો તે છે મેચ પહેલા પીચને ન સમજી શકવું અને તે મુજબ ટીમની પસંદગી ન કરવી. જેના કારણે એવું દેખાઈ રહ્યું છે કે ભારતીય ટીમ ઘર આંગણે રમી શકવામાં મુશ્કેલી અનુભવી રહી છે. ભારતીય બેટર્સ સ્પીનર્સને રમી શકતા નથી. વિદેશી ખેલાડીઓ તે પીચ પર આવીને સદી ફટકારી રહ્યા છે. એક દાયકા પહેલા સુધી ઉલ્ટું હતું કે જ્યાં ભારતીયો સ્પીન સામે રમવામાં માસ્ટર્સ હતા અને વિદેશી ખેલાડીઓના હાલહવાલ થઈ જતા હતા. આ કારણે ટીમ મેનેજમેન્ટે પણ વિચારવું પડશે અને કોચ ગૌતમ ગંભીરે પણ પોતાની રણનીતિઓમાં ફેરફાર કરવો પડશે.