)
India vs South Africa 1st T20I: ભારતે પ્રથમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 101 રનથી હરાવી દીધું છે. આ મેચમાં જસપ્રીત બુમરાહે તેમના T20 ઇન્ટરનેશનલ કરિયરની 100 વિકેટ પૂરી કરી છે. કટકમાં રમાયેલી આ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતાં 175 રનનો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 74 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
અત્યાર સુધી કટકના બારાબતી સ્ટેડિયમમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવી શકી ન હતી. અત્યાર સુધી રમાયેલી બન્ને મેચોમાં અહીં દક્ષિણ આફ્રિકાએ ભારતને હરાવ્યું હતું, પરંતુ સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં આ વખતે ટીમ ઇન્ડિયાએ આફ્રિકાને 101 રનની મોટી હારનો સ્વાદ ચખાડ્યો છે.
હાર્દિકની તોફાની ઇનિંગ
ભારતીય ટીમ માટે કોઈ પણ બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમવામાં સફળ રહ્યો ન હતો. સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ અને અભિષેક શર્મા પણ ફ્લોપ રહ્યા હતા. એક તરફથી સતત વિકેટો પડતી રહી, પરંતુ હાર્દિક પંડ્યાએ 28 બોલમાં અણનમ 59 રનની તોફાની ઇનિંગ્સ રમી. એક સમયે ટીમ ઇન્ડિયાનો સ્કોર 12 ઓવરમાં 80/4 હતો, પરંતુ અહીંથી હાર્દિકના બેટથી એવો પ્રહાર થયો કે અંતિમ 8 ઓવરમાં ટીમ ઇન્ડિયાએ 95 રન બનાવી દીધા. આ રીતે ભારતીય ઇનિંગ 175 રન પર સમાપ્ત થઈ.
જસપ્રીત બુમરાહની ઐતિહાસિક સદી
જસપ્રીત બુમરાહ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિકેટોની સદી (100 વિકેટ) પૂર્ણ કરનાર બીજો ભારતીય બોલર બની ગયો છે. તેમના પહેલા અર્શદીપ સિંહ આવું કરી ચૂક્યા છે, જેમની હાલમાં 107 વિકેટ છે. બુમરાહે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં 78 ઇનિંગ્સમાં વિકેટની સદી પૂરી કરી છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા પણ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિકેટની સદી પૂરી કરવાથી માત્ર એક ડગલું દૂર છે.
દક્ષિણ આફ્રિકાની ટીમની ખરાબ હાલત
175 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટીમનું ખાતું પણ નહોતું ખૂલ્યું ત્યાં જ ક્વિન્ટન ડિકોક આઉટ થઈ ગયો. આફ્રિકની ટીમના ટોપ સ્કોરર ડેવાલ્ડ બ્રેવિસ રહ્યા, જેમણે 22 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકાના માત્ર ચાર ખેલાડી જ રનના મામલે બે આંકડાનો આંકડો પાર કરી શક્યા. હવે ટીમ ઇન્ડિયા પાંચ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે
ભારત માટે અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી. જ્યારે હાર્દિક પંડ્યા અને શિવમ દુબે પણ એક-એક વિકેટ ઝડપી હતી.