)
India vs UAE Playing 11: એશિયા કપ 2025માં બુધવારે ભારતીય ટીમ તેની પહેલી મેચ રમશે. આ મેચ UAE સામે રમાશે. ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પછી પહેલી વાર મેદાનમાં ઉતરશે. માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ તે પહેલી વાર મર્યાદિત ઓવરોમાં રમશે. ત્યારે ભારતની પ્લેઈંગ-11 કેવી હશે, તેના વિશે આ લેખમાં જાણીશું.
કોને મળશે પ્લેઈંગ-11માં સ્થાન ?
UAE સામેની મેચ પહેલા બધાની નજર ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ-11 પર છે. શુભમન ગિલની વાપસી સાથે, સંજુ સેમસન માટે રમવું મુશ્કેલ છે. ગિલ ટીમનો વાઈસ કેપ્ટન અને ઓપનર છે. તેથી તે અભિષેક શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરી શકે છે. જીતેશ શર્મા વિકેટકીપિંગ માટે પહેલી પસંદગી બન્યો છે કારણ કે તે ફિનિશર છે. સેમસને ગયા વર્ષે 3 સદી ફટકારીને હંગામો મચાવ્યો હતો. હવે જોવાનું એ છે કે તેને તક મળે છે કે નહીં. તો કુલદીપ યાદવ વિશે પણ અનિશ્ચિતતા છે. કુલદીપ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સતત બેન્ચ પર બેઠો હતો.
શ્રીકાંતે પ્લેઇંગ-11 પસંદ કરી
1983ના વર્લ્ડ કપ વિજેતા કૃષ્ણમાચારી શ્રીકાંત માને છે કે સંજુ સેમસન યુએઈમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શકશે નહીં. શ્રીકાંતના મતે, શુભમન ગિલના ટીમમાં સમાવેશને કારણે સંજુ સેમસનનું સ્થાન જોખમમાં આવી ગયું છે. ગિલને ટીમનો વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જેનો અર્થ એ છે કે પ્લેઇંગ ઇલેવનમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત છે. આ ઉપરાંત, ઇંગ્લેન્ડ શ્રેણીમાં સંજુનું પ્રદર્શન સારું નહોતું, જ્યારે અભિષેક શર્માએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. જેના કારણે તેને ટીમમાંથી બહાર કાઢવાનું મુશ્કેલ બને છે.
જિતેશ ઇન, કુલદીપ આઉટ
તેમની યુટ્યુબ ચેનલ પર ક્રિસ શ્રીકાંતે ઓપનિંગ માટે અભિષેક શર્મા અને શુભમન ગિલને પસંદ કર્યા છે. તેમણે જીતેશ શર્માને વિકેટકીપર-બેટ્સમેન તરીકે પસંદ કર્યા છે, જે 8મા નંબર પર આવશે. શ્રીકાંતે કુલદીપ યાદવને પણ પોતાની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો નથી. તેમનું માનવું છે કે ભારત એક વધારાના ઓલરાઉન્ડર સાથે જશે, જે તેમના મતે શિવમ દુબે હશે. જોકે, તેમણે કહ્યું કે જો તે તેમના હાથમાં હોત, તો તેઓ ચોક્કસપણે કુલદીપને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરશે.
કૃષ્ણમાચારી શ્રીકાંત દ્વારા પસંદ કરાયેલ ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી.