ટેસ્ટ ક્રિકેટમાં બૂમ બૂમ બુમરાહનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. બુમરાહએ 47 ટેસ્ટ મેચોમાં 19.48 ની સરેરાશથી 217 વિકેટ લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં 200 થી વધુ વિકેટ લેનારા બોલરોમાં ફક્ત બુમરાહની સરેરાશ 20 થી ઓછી છે.

Japrit bumrah: ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડના વર્તમાન પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. બુમરાહે બે ટેસ્ટ મેચમાં 12 વિકેટ લીધી છે, જેમાં બે વખત પાંચ વિકેટ સામેલ છે. બૂમ- બૂમ બુમરાહે લીડ્સ અને લોર્ડ્સ ટેસ્ટ મેચ રમી, જ્યારે એઝબેસ્ટન ટેસ્ટ મેચમાં તેને આરામ આપવામાં આવ્યો હતો.
જસપ્રીત બુમરાહનું હવે 23 જુલાઈ (બુધવાર) થી માન્ચેસ્ટરમાં રમાનાર ટેસ્ટ સિરીઝની ચોથી મેચ રમવાનું નક્કી નથી. બુમરાહ વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આ સિરીઝમાં ત્રણ મેચ રમવાનો છે. તે બે મેચ રમી ચૂક્યો છે, તેવામાં બાકીની બે ટેસ્ટ મેચમાંથી એક મેચ રમી શકે છે. બુમરાહને લઈને ચર્ચા ચાલી રહી છે. સુનીલ ગાવસ્કર, અનિલ કુંબલે, દિલીપ વેંગસરકર જેવા દિગ્ગજોએ પણ બુમરાહને બાકી બંને મેચ રમવાની સલાહ આપી છે.
જસપ્રીત બુમરાહે આ પ્રવાસમાં બે ટેસ્ટ મેચ રમી, જેમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે એઝબેસ્ટન ટેસ્ટમાં બુમરાહ ન રમ્યો, જ્યાં ભારતે 336 રનથી જીત મેળવી હતી. હવે બુમરાને લઈને ચાલી રહેલી ડિબેટમાં ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડ પણ સામેલ થઈ ગયા છે. લોયડે કહ્યુ કે જ્યારે બુમરાહ ભારતીય ટીમ માટે રમી રહ્યો હોય છે, ત્યારે ટીમ વધુ મેચ હારે છે.
લોયડે બુમરાહ વિશે આવું કેમ કહ્યું?
ડેવિડ લોયડે ટોક સ્પોર્ટ ક્રિકેટને કહ્યું, 'આ અસાધારણ છે. એવું કહેવાય છે કે જ્યારે તે રમે છે, ત્યારે ભારતીય ટીમ જ્યારે તે રમતો નથી તેના કરતાં વધુ મેચ હારે છે. બુમરાહ વિશ્વનો શ્રેષ્ઠ બોલર છે, તેની એક્શન ખૂબ જ વિચિત્ર અને મુશ્કેલ છે. આ હોવા છતાં, તે વ્યક્તિગત રીતે ખૂબ જ સારો અને શિષ્ટ વ્યક્તિ છે.'
જસપ્રીત બુમરાહે 5 જાન્યુઆરી 2018 ના રોજ કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી ભારતીય ટીમ કુલ 74 ટેસ્ટ મેચ રમી છે. બુમરાહે આ 74 મેચોમાંથી 47 મેચ રમી છે. બુમરાહે રમેલી 47 ટેસ્ટ મેચોમાંથી ભારતે 20 ટેસ્ટ મેચ જીતી છે. જ્યારે ટીમ ઈન્ડિયાને 23 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બુમરાહે રમી છે ત્યારે જીતની ટકાવારી 42.55 રહી છે.
જસપ્રીત બુમરાહે જે 27 મેચ ન રમી, તેમાં ભારતીય ટીમે 19 મેચ જીતી છે. જ્યારે માત્ર પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે ત્રણ ટેસ્ટ ડ્રો રહી છે. બુમરાહની ગેરહાજરીમાં ભારતીય ટીમની ટેસ્ટમાં જીતની ટકાવારી 70.38 રહી છે. આ આંકડાથી ડેવિડ લોયડનો દાવો મજબૂત થાય છે કે બુમરાહની હાજરીમાં ભારતને અપેક્ષિત સફળતા મળતી નથી.
બુમરાહનો ટેસ્ટમાં કેવો છે રેકોર્ડ?
પરંતુ હવે સવાલ ઉઠે છે કે શું જસપ્રીત બુમરાહની વ્યક્તિગત સફળતા ટીમના કુલ પ્રદર્શનમાં યોગદાન આપી રહી નથી? બુમરાહનો ટેસ્ટમાં રેકોર્ડ શાનદાર રહ્યો છે. બુમરાહે અત્યાર સુધી 47 ટેસ્ટ મેચમાં 19.48ની એવરેજથી 217 વિકેટ લીધી છે. 200થી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલરોમાં માત્ર બુમરાહની એવરેજ 20થી નીચે છે. જ્યારે તેની ક્ષમતા પર કોઈને શંકા નથી. પરંતુ તેમ લાગે છે કે જ્યારે બુમરાહ રમે છે તો ટીમ તેના પર જરૂરિયાતથી વધુ નિર્ભર થઈ જાય છે કે પછી સાથી બોલર સપોર્ટ કરતા નથી.
બુમરાહની હાજરીમાં ભારતનો રેકોર્ડ
કુલ ટેસ્ટઃ 47
જીતઃ 20
હારઃ 23
ડ્રોઃ 4
બુમરાહ વગર ભારતનો રેકોર્ડ
કુલ ટેસ્ટઃ 27
જીતઃ 19
હારઃ 5
ડ્રોઃ 3