)
Asia Cup 2025: એશિયા કપ 2025 માટે જાહેર થયેલી ટીમમાં પસંદગીકારોએ કેટલાક ખેલાડીઓની વાપસી કરાવી છે, જ્યારે કેટલાક ખેલાડી એવા છે જેણે સતત સારૂ પ્રદર્શન કર્યું છે છતાં ટીમમાં જગ્યા મળી નથી. આજે અમે એવા 11 ખેલાડીને પસંદ કર્યાં છે, જે એક ટીમના રૂપમાં કોઈપણ અન્ય ટીમને પડકાર આપી શકે છે. આજે અમે તમને તે 11 અનલકી ખેલાડીઓ વિશે જણાવીશું.
શ્રેયસ અય્યર કેપ્ટન
એશિયા કપ માટે સૌથી વધુ અનલકી ખેલાડી શ્રેયસ અય્યર છે, જેણે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ તેને ટીમમાં સ્થાન મળ્યું નથી.
યશસ્વી જાયસવાલ, સાઈ સુદર્શન ઓપનર
બંને યુવા બેટર શાનદાર ફોર્મમાં છે. યશસ્વી આઈપીએલ બાદ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. સાઈ સુદર્શને આઈપીએલમાં રનનો વરસાદ કર્યો હતો. પરંતુ આ બંને ખેલાડીને એશિયા કપની ટીમમાં સ્થાન મળ્યું નથી.
કેએલ રાહુલ અને ધ્રુવ જુરેલ
ભારતની પાસે અહીં બે-બે વિકેટકીપર બેટરનો વિકલ્પ છે, જે ટોપ ઓર્ડરથી લઈને નીચલા ક્રમમાં બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. બંને ખેલાડી વનડે અને ટી20 ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરી ચૂક્યા છે. પરંતુ આ બંનેને પણ ટી20 ટીમમાં જગ્યા મળી નથી.
રવિ બિશ્નોઈ અને યુઝવેન્દ્ર ચહલ
આ બંને ખેલાડીઓ શાનદાર સ્પિન બોલિંગ કરે છે. બંને ગમે તે સમયે વિકેટ લેવામાં માહિર છે. ચહલ બેટરોને લલચાવી વિકેટ લેવા માટે જાણીતો છે, જ્યારે રવિ બિશ્નોઈ પોતાની ગુગલીથી બેટરોને ફસાવે છે.
કૃણાલ પંડ્યા અને રિયાન પરાગ
સ્પિન ઓલરાઉન્ડરના રૂપમાં આ બંને ખેલાડી યુએઈની પિચ પર ખાસ સાબિત થઈ શકે છે. બંનેએ સમય-સમય પર આઈપીએલ સહિત અન્ય ટૂર્નામેન્ટમાં પોતાને સાબિત કર્યાં છે. રિયાન પરાગ યુવા ખેલાડી છે, તે શાનદાર ફીલ્ડર સાથે પાવર હિટિંગ અને બોલિંગ પણ કરી શકે છે. તો ક્રુણાલ પંડ્યાએ તાજેતરમાં આરસીબીને આઈપીએલ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી
તાજેતરમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં મોહમ્મદ સિરાજે કમાલની બોલિંગ કરી હતી. સિરાજ પાંચેય ટેસ્ટ મેચ રમી પોતાની ફિટનેસ પણ સાબિત કરી ચૂક્યો છે. બીજીતરફ મોહમ્મદ શમી ભારતનો સ્ટાર બોલર છે અને પોતાના દમ પર અનેક મેચ જીતાડી ચૂક્યો છે. આ બંને ખેલાડીઓને પણ એશિયા કપની ટીમમાં સ્થાન મળ્યું નથી.