)
India vs Pakistan: ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાને વચ્ચે છેલ્લા એક દાયકાથી વધુ સમયથી એક પણ દ્વિપક્ષીય સિરીઝ રમાઈ નથી, પરંતુ બન્ને દેશો ACC અને ICC ઇવેન્ટ્સમાં એકબીજા સામે ટકરાતા રહ્યા છે. ભારત અને પાકિસ્તાન મેચનો ક્રેઝ હંમેશા રહ્યો છે, પરંતુ આ વખતે એવું નથી. એશિયા કપ 2025માં ટુર્નામેન્ટની લીગ મેચ ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે આજે એટલે કે રવિવાર 14 સપ્ટેમ્બરે દુબઈમાં રમાનારી છે, પરંતુ ફેન્સ તેનો બોયકોટ કરી રહ્યા છે. બીજી તરફ ટીમ ઈન્ડિયા પણ પાકિસ્તાન સામે પ્રોટેસ્ટ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈ મેચનો વિરોધ
કારણ કે, આ વર્ષની શરૂઆતમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી એવો માહોલ છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ પ્રકારના સંબંધો ન હોવા જોઈએ. બધા સંબંધો તોડી નાખવા જોઈએ. બન્ને દેશો વચ્ચે રમતગમતનું પણ આયોજન ન કરવું જોઈએ. કેન્દ્ર સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ રમતમાં દ્વિપક્ષીય સિરીઝ રમવામાં નહીં આવે, પરંતુ મલ્ટીનેશનલ ટુર્નામેન્ટમાં અમે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે રમવાથી રોકી શકીએ નહીં. આ વાતથી ફેન્સ ગુસ્સે છે અને તેઓ BCCIનો સખત વિરોધ કરી રહ્યા છે.
ખેલાડીઓ દ્વારા કરવામાં આવી શકે છે વિરોધ
ખેલાડીઓને પણ આના કારણે ટીકાનો પણ સામનો કરવો પડી રહ્યા છે. આ દરમિયાન NDTVના એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ભારતીય ખેલાડીઓ પાકિસ્તાન સામે મેચ રમતા પહેલા પ્રતીકાત્મક વિરોધ કરવાનું વિચારી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ બોયકોટને લઈ હેડ કોચ ગૌતમ ગંભીર સાથે આ અંગે વાત કરી છે. જો કે, ગંભીરે કહ્યું છે કે તમારે ગેમ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ મેચ દુબઈમાં યોજાવાની છે. તેથી, ફેન્સ આમાં કંઈ કરી શકતા નથી. પછી ભલે તે સૂત્રોચ્ચાર હોય કે અન્ય કોઈ કાર્યવાહી.
ખેલાડીઓ આ રીતે કરી શકે છે વિરોધ
જો કે, મેચ શરૂ થતાંની સાથે જ ભારતીય ટીમના સભ્યો દ્વારા કેટલાક 'પ્રતિકાત્મક વિરોધ' જોવા મળી શકે છે. આમાં પાકિસ્તાન ટીમ સાથે હાથ ન મિલાવવા, કાળી પટ્ટી પહેરીને અથવા ભારતીય ખેલાડીઓ દ્વારા અન્ય સંભવિત રીતે પ્રતીકાત્મક વિરોધનો સમાવેશ થઈ શકે છે. BCCIના ઉચ્ચ અધિકારીઓ પણ ક્રિકેટ પ્રેમીઓના મૂડથી સારી રીતે વાકેફ છે. આ જ કારણ છે કે, બોર્ડ અને ખેલાડીઓ એશિયા કપ મેચનો ઉપયોગ સમગ્ર દુનિયાને દરેક ભારતીય નાગરિકની પાકિસ્તાન પ્રત્યેની લાગણીઓ વિશે સંદેશ આપવા માટે એક પ્લેટફોર્મ તરીકે કરી શકે છે.