)
Shreyas Iyer : વેસ્ટ ઇન્ડીઝ સામેની બે મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ત્યારે ફરી એક વખત શ્રેયસ ઐયરને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી. વેસ્ટ ઇન્ડીઝ ભારતની પ્રવાસે આવી રહ્યું છે. બંને દેશો વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ 2 ઓક્ટોબરથી અમદાવાદમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી દિલ્હીમાં રમાશે.
શુભમન ગિલ કેપ્ટન તરીકેનો કાર્યભાર સંભાળશે
શુભમન ગિલ વેસ્ટ ઇન્ડીઝ સામેની બે મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતનું નેતૃત્વ કરશે. રવિન્દ્ર જાડેજા વાઈસ-કેપ્ટન હશે. શ્રેયસ ઐયરને ફિટનેસ સમસ્યાઓના કારણે ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી. ઐયરે સતત પીઠની સમસ્યાની સારવાર માટે રેડ-બોલ ક્રિકેટમાંથી છ મહિનાનો વિરામ લેવાની વિનંતી કરી છે.
શ્રેયસ ઐયરને ભારતની ટેસ્ટ ટીમમાં કેમ ના મળી તક ?
મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે શ્રેયસ ઐયર વિશે મોટો ખુલાસો કરતા કહ્યું કે, "શ્રેયસ ઐયર એક સિનિયર ક્રિકેટર છે. તેણે ઈન્ડિયા Aનું નેતૃત્વ પણ કર્યું છે અને અમે હંમેશા ઘણા ખેલાડીઓમાં કેપ્ટનશીપ કૌશલ્ય વિકસાવવાનો પ્રયાસ કરીએ છીએ. કમનસીબે, તે તેની ફિટનેસને કારણે ઉપલબ્ધ રહેશે નહીં. અમે ઇચ્છીએ છીએ કે તે સારું રમે."
ક્રિકેટમાંથી છ મહિનાનો વિરામ લીધો
શ્રેયસ ઐયર 30 સપ્ટેમ્બરથી કાનપુરમાં શરૂ થનારી ઓસ્ટ્રેલિયા A સામે ત્રણ વનડે મેચ માટે ઈન્ડિયા A ટીમનું નેતૃત્વ કરશે. શ્રેયસ ઐયર ઓસ્ટ્રેલિયા A સામેની પ્રથમ બિનસત્તાવાર ચાર દિવસીય ટેસ્ટમાં ઈન્ડિયા A ટીમનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ કમરની સમસ્યાને કારણે તે બીજી ટેસ્ટમાંથી ખસી ગયો અને રેડ-બોલ ક્રિકેટમાંથી છ મહિનાનો વિરામ માંગ્યો. BCCIએ તેની વિનંતી સ્વીકારી લીધી છે.