ઇન્દોર મેચ જીતીને ભારતે T20 સીરીઝ જીતી : ટીમનું આક્રમક પ્રદર્શન

ભારતે 3 T20ની શ્રેણી 2-0થી કબ્જે કરી : રાહુલ અને રોહિતે બેટિંગમાં તો ચહલ યાદવની જોડીએ બોલિંગમાં તરખાટ મચાવ્યો

Updated By: Dec 22, 2017, 10:42 PM IST

ઇંદોર : ભારતે શ્રીલંકાને ઇન્દોરમાં રમાઇ રહેલ બીજી ટી20 મેચમાં 88 રનથી હરાવી દીધું છે. આ સાથે જ ભારત 3 મેચની સીરિઝમાં 2-0થી જીતી ગયું છે. ભારતે પહેલા બેટિગ પસંદ કરી હતી. રોહિત શર્માનાં આક્રમક 118 રન અને કે.એલ રાહુલનાં 89 રનની મદદથી 5 વિકેટનાં નુકસાને 260 રનનો મોટો સ્કોર ખડકી દીધો હતો. જવાબમાં શ્રીલંકન ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 172 રન જ બનાવી શકી હતી.

શ્રીલંકાની તરફથી થિસારા પરેરાએ સૌથી વધારે 77 રન બનાવ્યા હતા તો યજુવેન્દ્ર ચહલે સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે 3 વિકેટ ઝડપી હતી. તો પંડ્યા અને ઉનડકટે 1-1 વિકેટ ઝડપી હતી. આ રીતે શ્રીલંકા 10 વિકેટનાં નુકસાને 172 રન જ બનાવી શક્યું હતું. 

શ્રીલંકા તરફથી એન્જેલા મેથ્યુઝ બેટિંગ કરવા નહોતો ઉતર્યો.કેપ્ટન રોહિત શર્મા 118 રનની તોફાની સદી ફટકારી હતી. રોહિતનાં શતકની મદદથી ભારતે હોલ્કર સ્ટેડિયમમાં રમાઇ રહેલી ટી20 મેચમાં શુક્રવારે નિર્ધારિત ઓવરમાં 5 વિકેટે 260 રન બનાવ્યા હતા. રોહિતે 43 બોલમાં 12 ચોક્કા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. આ તેમની ટી20માં સર્વોચ્ચ સ્કોર પણ છે. રોહિતે પોતાની પહેલી સદી બે ઓક્ટોબર 2015એ ધર્મશાળામાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ફટકારી હતી. રોહિતે તે મેચમાં 106 રન ફટકાર્યા હતા.