રવિ શાસ્ત્રીના બીજા કાર્યકાળમાં ટીમ ઈન્ડિયાએ કુલ 117માંથી 81 મેચમાં મેળવ્યો વિજય

ભારતીય ટીમ માટે રવિ શાસ્ત્રીનો કોચ તરીકેનો બીજો કાર્યકાળ સર્વશ્રેષ્ઠ રહ્યો છે અને આ કાર્યકાળમાં જ ભારતીય ટીમ ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1નો ખિતાબ હાંસલ કરી શકી હતી 
 

રવિ શાસ્ત્રીના બીજા કાર્યકાળમાં ટીમ ઈન્ડિયાએ કુલ 117માંથી 81 મેચમાં મેળવ્યો વિજય

ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે પસંદગીકારોએ ફરી એક વખત રવિ શાસ્ત્રીમાં વિશ્વાસ મુક્યો છે. રવિશાસ્ત્રી હવે 2021 સુધી ટીમ ઈન્ડિયાના કોચ પદે રહેશે. 2021માં યોજાનારા ટી20 વર્લ્ડ કપ સમયે ભારતીય ટીમના નવા કોચની પસંદગી કરવામાં આવશે. ભારતીય ટીમ માટે રવિ શાસ્ત્રીનો કોચ તરીકેનો કાર્યકાળ સર્વશ્રેષ્ઠ રહ્યો છે અને તેના કાર્યકાળમાં જ ભારતીય ટીમ ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1નો ખિતાબ હાંસલ કરી શકી હતી. 

રવિ શાસ્ત્રી વર્ષ 2014-16 સુધી ટીમના ડિરેક્ટર રહ્યા હતા. વર્ષ 2015ના વર્લ્ડ કપ પછી શાસ્ત્રીને ટીમના કોચિંગની સંપૂર્ણ જવાબદારી આપવામાં આવી હતી. શાસ્ત્રી પહેલા ભારતીય ટીમના કોચ ડંકન ફ્લેચર (2011-2015) હતા. 

રવિશાસ્ત્રીનો ભારતીય ટીમના પૂર્ણકાલિન કોચ તરીકેનો બીજો કાર્યકાળ વર્ષ 2017માં શરૂ થયો હતો. રવિ શાસ્ત્રીના બીજા વર્ષના કોચ તરીકેના કાર્યકાળમાં ભારતીય ટીમે ક્રિકેટના ત્રણેય ફોર્મેટની કુલ 117માંથી 81 મેચમાં વિજય મેળવ્યો છે. ભારતીય ટીમે 2017થી અત્યાર સુધી 21 ટેસ્ટ મેચ રમી હતી, જેમાંથી ભારતે 13 મેચમાં વિજય મેળવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં ભારતે 36માંથી 25 મેચમાં વિજય મેળવ્યો હતો. વન ડે મેચમાં શાસ્ત્રીના કોચ પદ હેઠળ ભારતીય ટીમે 60માંથી 43 મેચમાં વિજય મેળવ્યો છે. 

ક્રિકેટના ત્રણેય સ્વરૂપમાં જુલાઈ, 2017 પછી ભારતીય ટીમની હાર-જીતની ટકાવારી જોઈએ તો ટેસ્ટમાં ભારતના વિજય મેળવવાની ટકાવારી 52.38 ટકા છે. ટી20માં આ સરેરાશ 69.99 અને વન ડેમાં 71.67ની સરેરાશે ટીમ ઈન્ડિયાએ વિજય મેળવ્યો છે.

વર્લ્ડ કપમાં પરાજય મોટી નિષ્ફળતા
રવિ શાસ્ત્રીનું ભારતીય ટીમના કોચ તરીકેનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ વળી રહ્યું છે. વળી ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિશાસ્ત્રી વચ્ચે ટ્યુનિંગ પણ સારું જામેલું છે. તેમ છતાં આ જોડી ભારતીય ટીમને ત્રીજો વર્લ્ડ કપ જીતાડવામાં નિષ્ફળ સાબિત થઈ હતી. તાજેતરમાં જ રમાયેલા 2019ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ તમામ મેચ જીતીને ટેબલમાં પણ ટોચ પર રહી હતી અને સેમીફાઈનલમાં પહોંચી હતી. જોકે, સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો પરાજય થયો હતો. રવિશાસ્ત્રી માટે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ટીમનું બહાર થઈ જવું મોટી નિષ્ફળતા ગણી શકાય. 

રવિ શાસ્ત્રીઃ ભારતના પૂર્વ ખેલાડી 
રવિ શાસ્ત્રી ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો રહી ચુક્યા છે. તેમણે ભારત તરફથી 150 વન ડે અને 80 ટેસ્ટ મેચ રમી છે. ઘુંટણની ઈજાને કારણે શાસ્ત્રીને 30 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી પડી હતી. રવિ શાસ્ત્રીએ વન ડેમાં 3,108 રન બનાવ્યા છે અને 129 વિકેટ લીધી છે. ટેસ્ટમાં રવિ શાસ્ત્રીએ 3,830 રન બનાવ્યા છે અને 151 વિકેટ લીધી છે. નિવૃત્તિ બાદ વર્ષ 1990થી શાસ્ત્રી કોમેન્ટ્રી કરતા હતા. 

ટીમ ઈન્ડિયાઃ 29 વર્ષ, કુલ 16 કોચ, જેમાંથી 4 વિદેશી 
1990થી અત્યાર સુધીનો રેકોર્ડ જોઈએ તો બીસીસીઆઈ દ્વારા ભારતીય ટીમ માટે કુલ 16 કોચ પસંદ કરાયા છે, જેમાંથી 4 વિદેશી રહ્યા છે. બીસીસીઆઈએ વર્ષ 2000 પછી 7 પૂર્વ ક્રિકેટરને 9 વખત ટીમ ઈન્ડિયા માટે કોચ તરીકે પસંદ કર્યા છે, જેમાં 4 વિદેશી રહ્યા છે અને 3 ભારતીય કોચ હતા. વર્તમાન કોચ રવિ શાસ્ત્રી 19 વર્ષના ઈતિહાસમાં ત્રીજી વખત ટીમ ઈન્ડિયાના કોચ બન્યા છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news