)
Alyssa Healy Retire : ક્રિકેટ જગત માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ મહિલા ખેલાડી અને કેપ્ટન એલિસા હીલીએ અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ટીમ ઈન્ડિયા સામેની ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી T20, ODI અને ટેસ્ટ શ્રેણી બાદ નિવૃત્તિ લેશે. 35 વર્ષીય હીલી લગભગ 300 મેચ રમી છે અને ત્રણેય ફોર્મેટમાં 7,000થી વધુ રન બનાવ્યા છે. વિકેટકીપર તરીકે 16 વર્ષ પહેલાં 2010માં નેશનલ ટીમમાં એન્ટ્રી લીધા 275 ડિસમિસલ્સ કર્યા છે.
ભારત સામેની હારથી આઘાત
લાંબા સમય સુધી હીલીએ મેગ લેનિંગના વાઈસ-કેપ્ટન તરીકે સેવા આપી અને અંતે 2023માં કેપ્ટન પદ સંભાળ્યું. ભારત સામેની ODI વર્લ્ડ કપ સેમિફાઇનલમાં થયેલી હારથી તેને ખૂબ જ આઘાત લાગ્યો, જેના કારણે તેણીએ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો. તે ઓસ્ટ્રેલિયાના આઠ ICC વર્લ્ડ કપ ટાઇટલનો ભાગ રહી છે અને તેના નામે અનેક રેકોર્ડ છે. તે 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાની ગોલ્ડ મેડલ વિજેતા ટીમનો પણ ભાગ હતી.
એલિસા હીલીએ શું કહ્યું ?
હીલીને 2019માં બેલિન્ડા ક્લાર્ક એવોર્ડ પણ મળ્યો હતો અને બે વાર ICC મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઓફ ધ યર તરીકે પણ જાહેર કરવામાં આવી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સત્તાવાર રિલીઝમાં, હીલીએ કહ્યું, "ભારત સામેની આગામી શ્રેણી ઓસ્ટ્રેલિયા માટે મારી છેલ્લી હશે. મને હજુ પણ ઓસ્ટ્રેલિયા માટે રમવાનો જુસ્સો છે, પરંતુ ક્યાંક મેં સ્પર્ધાત્મક ધાર ગુમાવી દીધી છે જેણે મને શરૂઆતથી જ પ્રેરિત રાખી હતી. આ નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય લાગે છે."
હીલી ભારત સામેની T20 શ્રેણીમાં રમશે નહીં
હીલીએ વધુમાં કહ્યું, "હું આ વર્ષે T20 વર્લ્ડ કપમાં રમવાની નથી અને ટીમ પાસે તૈયારી માટે મર્યાદિત સમય છે તે જાણીને, હું ભારત સામેની T20 શ્રેણીનો ભાગ નહીં હોવું, પરંતુ હું મારી કારકિર્દીનો અંત લાવવા અને ઘરઆંગણે ભારત સામે ODI અને ટેસ્ટ ટીમોની કેપ્ટનશીપ કરવાની તક મળવાથી ઉત્સાહિત છું. આ અમારા કેલેન્ડર પરની સૌથી મોટી શ્રેણીઓમાંની એક છે."
આ રીતે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેનું સન્માન કરશે
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO ટોડ ગ્રીનબર્ગે જણાવ્યું હતું કે સમગ્ર ક્રિકેટ સંસ્થા ભારત સામેની શ્રેણી દરમિયાન હીલીની સિદ્ધિઓની ઉજવણી કરશે. તેમણે કહ્યું, "એલિસા રમતના સર્વકાલીન મહાન ખેલાડીઓમાંની એક છે અને તેણે 15 વર્ષની કારકિર્દી દરમિયાન મેદાન પર અને બહાર જબરદસ્ત યોગદાન આપ્યું છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ વતી, હું એલિસાને આભાર માનવા માંગુ છું અને તેની અદ્ભુત કારકિર્દી માટે તેને અભિનંદન આપવા માંગુ છું. અમે ભારત સામેની શ્રેણી દરમિયાન તેની સિદ્ધિઓની ઉજવણી કરવા આતુર છીએ."