)
Lionel Messi: આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સીની ગણતરી દુનિયાના મહાન ફૂટબોલરોમાં થાય છે અને આખી દુનિયામાં તેમના ફેન્સ છે. હવે મેસ્સી અને તેમની આર્જેન્ટિના ટીમ એક ફ્રેન્ડલી મેચ માટે ભારત આવશે. આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશને આ વાતની પુષ્ટિ કરી છે. ભારતીયો અને ફૂટબોલ ફેન્સ માટે આ કોઈ ઉત્સવથી ઓછું નથી. હજુ તે નક્કી નથી કે, આર્જેન્ટિનાની ટીમ ભારત આવ્યા પછી કોની સામે મેચ રમશે. આની જાહેરાત બાદ કરવામાં આવશે.
નવેમ્બરમાં આર્જેન્ટિના ટીમ ભારતમાં રમશે મેચ
આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશને એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, આર્જેન્ટિના નેશનલ ટીમ 2025માં બે FIFA ફ્રેન્ડલી મેચ રમશે. પહેલી મેચ ઓક્ટોબરમાં અમેરિકામાં (તારીખ 6 થી 14) અને બીજી મેચ નવેમ્બરમાં ભારતના કેરળમાં (તારીખ 10 થી 18) રમાશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ બન્ને મેચોમાં લિયોનેલ મેસ્સી આર્જેન્ટિનાનું કેપ્ટનશિપ સંભાળશે. આ મેચો ઉલ્લેખિત તારીખોમાંથી કોઈપણ એક તારીખે યોજાઈ શકે છે.
વર્લ્ડ કપમાં સપોર્ટ બદલ કેરળ રાજ્યનો માન્યો હતો આભાર
લિયોનેલ મેસ્સીની કેપ્ટન્સીમાં જ આર્જેન્ટિનાની ટીમે ફિફા વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યો હતો. તે સમયે ભારતીયો અને કેરળ રાજ્યએ આર્જેન્ટિનાની ટીમને ખૂબ જ સપોર્ટ કર્યો હતો. બાદમાં જ્યારે આર્જેન્ટિનાની ટીમે વર્લ્ડ કપ ટ્રોફી જીતી, ત્યારે તેમણે ભારત, બાંગ્લાદેશ અને કેરળ રાજ્યનો પણ તેમના સમર્થન બદલ ખાસ આભાર માન્યો.
Thank you Bangladesh ?
Thank you Kerala, India, Pakistan. Your support was wonderful! https://t.co/GvKwUP2hwJ— ?? Selección Argentina ⭐⭐⭐ (@Argentina) December 19, 2022
ગયા વર્ષે નવેમ્બરમાં કેરળના રમતગમત મંત્રી વી.વી. અબ્દુરહિમાને આર્જેન્ટિનાના કેરળ પ્રવાસના નિર્ણયની પ્રશંસા કરતી વખતે આ જાહેરાત કરી હતી. બાદમાં તેમણે આર્જેન્ટિનાના ફૂટબોલ એસોસિએશનના ચીફ કોમર્શિયલ અને માર્કેટિંગ ઓફિસર લીએન્ડ્રો પીટરસન સાથે પણ આ મુદ્દા પર લાંબી ચર્ચા કરી હતી. એવી શક્યતા છે કે, જ્યારે આર્જેન્ટિનાની ટીમ ભારત આવશે, ત્યારે તેમની મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાઈ શકે છે.