)
Asia Cup 2025 : એશિયા કપ 2025 પહેલા જ ભારતીય બોર્ડમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ટુર્નામેન્ટ માટે ટીમની જાહેરાત બાદ આ દિગ્ગજે ટીમ છોડી દીધી છે. તે એક દાયકાથી ટીમ સાથે હતો. પરંતુ એશિયા કપ શરૂ થાય તે પહેલાં તેણે ટીમને અલવિદા કહી દીધું છે. બોર્ડે આ દિગ્ગજને ટીમથી અલગ કરવાનો નિર્ણય લીધો છે.
એશિયા કપ 2025 પહેલા આ દિગ્ગજે છોડ્યો ટીમનો સાથ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ટીમ ઈન્ડિયાના બેકરૂમ સ્ટાફમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ સાથે એક દાયકાથી જોડાયેલા સપોર્ટ સ્ટાફને ટીમમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાના મસાજ થેરાપિસ્ટ રાજીવ કુમાર હવે ટીમનો ભાગ નથી. તેઓ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતા. પરંતુ હવે તેઓ એશિયા કપમાં ટીમ સાથે યુએઈ જશે નહીં.
રાજીવ કુમારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે એક પોસ્ટમાં લખ્યું કે 'ભારતીય ક્રિકેટ ટીમની એક દાયકા (2016-2025) સુધી સેવા કરવી એ એક વિશેષાધિકાર અને સન્માનની વાત છે, આ તક માટે ભગવાનનો આભાર, ખરેખર આભારી અને આશાવાદી છું.'
બોર્ડે કરાર વધુ લંબાવ્યો નહીં
રાજીવ કુમારે વર્ષ 2016માં ટીમ ઈન્ડિયા માટે મસાજ થેરાપિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. પરંતુ હવે એશિયા કપ પહેલા તેમણે ટીમથી અલગ થવું પડશે. BCCIએ તેમનો કરાર લંબાવ્યો નથી. PTIના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે BCCIએ ટીમ ઈન્ડિયાના મસાજ થેરાપિસ્ટ રાજીવ કુમારનો કાર્યકાળ ન વધારવાનો નિર્ણય લીધો છે.
બોર્ડ માને છે કે સપોર્ટ સ્ટાફ લાંબા સમય સુધી ટીમ સાથે જોડાયેલા રહેવાથી ટીમને ઓછો ફાયદો થાય છે. ખેલાડીઓ પણ વ્યક્તિની નજીક બની જાય છે, જે ટીમની પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે. તમને જણાવી દઈએ કે, લાઈવ મેચોમાં ઘણી વખત એવું જોવા મળ્યું છે કે રાજીવ કુમાર બાઉન્ડ્રી પાસે ઉભા રહે છે. જેથી જ્યારે ખેલાડીઓ થાકી જાય, ત્યારે તે તરત જ માલિશ માટે તેમની પાસે પહોંચે છે. એટલું જ નહીં, ઘણી વખત રાજીવ ખેલાડીઓ માટે ડ્રિંક્સ પણ બનાવતા હતા.