Mithali Raj નો મોટો રેકોર્ડ, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા 10,000 રન
ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂરા કરી લીધા છે. મહિલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનારી તે માત્ર બીજી ખેલાડી છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂરા કરી લીધા છે. મહિલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનારી તે માત્ર બીજી ખેલાડી છે. મિતાલીએ શુક્રવારે સાઉથ આફ્રિકા સામે લખનઉમાં રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. મિલાઈ પહેલા ઈંગ્લેન્ડની પૂર્વ કેપ્ટન ચાર્લોટ એડવર્ડ્સે 10,000 રન બનાવ્યા હતા.
મિતાલીના નામે 75 અર્ધસદી-8 સદી:
આ મેચ પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મિતાલીના 9965 રન હતા. 35 રન બનાવતાની સાથે જ તેણે 10,000 રનનો જાદુઈ આંકડો સ્પર્શ કરી લીધો. પરંતુ તે લાંબી ઈનિંગ્સ રમી શકી ન હતી. મિતાલીના નામે હવે 46.73ની એવરેજ સાથે કુલ 10,001 રન છે. મિતાલીએ પોતાની કારકિર્દીમાં 75 અર્ધસદી અને 8 અર્ધસદી ફટકારી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેને આ સિદ્ધિ પર અભિનંદન આપતાં કહ્યું કે શું શાનદાર ક્રિકેટર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂરી કરનાર પહેલી ભારતીય મહિલા બેટ્સમેન. શુભકામના મિતાલી.
મેચ જોવા જતાં પહેલાં આટલું વાંચી લો, નહીં તો માથે પડશે ટિકિટના પૈસા અને નહીં મળે પ્રવેશ
ચાર્લોટ એડવર્ડસે પોતાની કારકિર્દીમાં 309 મેચમાં 10,273 રન બનાવ્યા. ટેસ્ટમાં ચાર્લોટે 1676, વન-ડે મેચમાં 5996 અને ટી-20માં 2605 રન બનાવ્યા હતા. મિતાલીની પાસે હવે ચાર્લોટના રેકોર્ડને પાછળ છોડવાની તક છે. 38 વર્ષની મિતાલી રાજને મહિલા ક્રિકેટની સચિન કહેવામાં આવે છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ મિતાલીને આ શાનદાર સિદ્ધિ માટે શુભકામના પાઠવી છે.
મિતાલીના નામે અનેક રેકોર્ડ:
મિતાલીએ 212 આંતરરાષ્ટ્રીય વન-ડે મેચમાં 50.53ની એવરેજથી 6974 રન બનાવ્યા છે. જેમાં 7 સદી અને 54 અર્ધસદી છે. મિતાલીનો વન-ડેમાં સર્વોચ્ય સ્કોર 125 રન અણનમ છે. જ્યારે 10 ટેસ્ટ મેચમાં 51ની એવરેજથી 663 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 4 અર્ધસદી છે. ટેસ્ટ મેચમાં તેનો સર્વોચ્ય સ્કોર 214 રન છે. જે તેણે ઈંગ્લેન્ડ સામે 2002માં ટોન્ટનમાં બનાવ્યો હતો. મિતાલીએ 89 ટી-20 મેચમાં 2364 રન બનાવ્યા છે. જેમાં 17 અર્ધસદી છે. સાઉથ આફ્રિકા સામે 311મી મેચ રમેલી મિતાલીએ ભારત તરફથી જૂન 1999માં વન-ડે મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતું.