)
BCCI New President : BCCIને નવા અધ્યક્ષ મળી ગયા છે. જમ્મુ ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા પૂર્વ ક્રિકેટર મિથુન મન્હાસને આજે AGMમાં BCCIના નવા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા. તેઓ રોજર બિન્નીનું સ્થાન લેશે. તો રાજીવ શુક્લા ઉપપ્રમુખ તરીકે ચાલુ રહેશે. કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન (KSCA)ના વર્તમાન પ્રમુખ રઘુરામ ભટ ખજાનચી છે. KSCAના પ્રમુખ તરીકેનો તેમનો કાર્યકાળ 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થાય છે. દેવજીત સૈકિયા સચિવ તરીકે ચાલુ રહે છે, જ્યારે પ્રભતેજ ભાટિયાને સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
BCCI મુખ્યાલય ખાતે યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં BCCIના નવા પદાધિકારીઓના નામો નક્કી કરવામાં આવ્યા હતા. દિલ્હીની સ્થાનિક ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મિથુન મનહાસને BCCIના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
જમ્મુ અને કાશ્મીરમાં જન્મેલા મિથુને દિલ્હી માટે સૌથી વધુ ક્રિકેટ મેચ રમી હતી. તે મધ્યમ ક્રમના બેટ્સમેન હતા અને રણજી ટ્રોફીમાં દિલ્હીના કેપ્ટન હતા. મનહાસે 157 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી, જેમાં 9,700 રન બનાવ્યા હતા. તેઓ IPLમાં દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ), પુણે વોરિયર્સ અને CSK માટે પણ રમ્યા હતા. તે જમ્મુ અને કાશ્મીરમાંથી BCCI પ્રમુખ બનનાર પ્રથમ વ્યક્તિ હશે.