)
BCCIના નવા અધ્યક્ષને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. 28 સપ્ટેમ્બરે BCCIની વાર્ષિક સામાન્ય સભામાં અધ્યક્ષની ચૂંટણી યોજાશે. ત્યારે દિલ્હીના પૂર્વ કેપ્ટન મિથુન મન્હાસ BCCIના નવા અધ્યક્ષ બને તેવી શક્યતા છે. તેઓ ભારતીય બોર્ડનું નેતૃત્વ કરનાર પ્રથમ અનકેપ્ડ ક્રિકેટર બનવા માટે તૈયાર છે. મિથુન મન્હાસને જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA) સાથે કામ કરવાનો વહીવટી અનુભવ છે.
મિથુન મન્હાસ કોણ છે ?
મિથુન મન્હાસ ભારતીય ઘરેલુ ક્રિકેટમાં દિલ્હીના કેપ્ટન રહી ચૂક્યા છે. મિથુન મન્હાસે ઘરેલુ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કુલ 15,010 રન બનાવ્યા છે. મિથુન મન્હાસે 2007-08માં દિલ્હીને રણજી ટ્રોફીનો ખિતાબ અપાવ્યો હતો. નોંધનીય છે કે 45 વર્ષીય મિથુને ટીમ ઈન્ડિયા માટે ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી નથી. તેમની પાસે વહીવટી અને ક્રિકેટ બંનેનો અનુભવ છે. તેમણે જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA) સાથે વહીવટી ભૂમિકાઓ ભજવી છે અને BCCIની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે.
એક વિશ્વસનીય મધ્યમ ક્રમના બેટ્સમેન
ક્રિકેટના મેદાન પર મિથુન મન્હાસને ભારતીય સ્થાનિક ક્રિકેટમાં સૌથી વિશ્વસનીય ખેલાડીઓમાંના એક માનવામાં આવતા હતા. તેમણે 1997-98માં સ્થાનિક ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને સૌરવ ગાંગુલી જેવા દિગ્ગજોના વર્ચસ્વને કારણે મિથુન મન્હાસને ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી નહોતી. જોકે, મિથુન મન્હાસ ઘરેલુ ક્રિકેટમાં દિલ્હી માટે એક વિશ્વસનીય મધ્યમ ક્રમના બેટ્સમેન રહ્યા છે. તેમણે 2007-08માં દિલ્હીને રણજી ટ્રોફી ટાઇટલ અપાવ્યું. તેમણે તે સિઝનમાં 57.56ની સરેરાશથી 921 રન બનાવ્યા હતા.
28 સપ્ટેમ્બરે ચૂંટણી
BCCI પ્રમુખ પદ માટે નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ રવિવારે સમાપ્ત થાય છે. ચૂંટણી 28 સપ્ટેમ્બરે BCCIની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં યોજાશે. જોકે, 2019માં BCCI બંધારણમાં સુધારા પછીની પ્રથા મુજબ આ પદ બિનહરીફ ભરવાની આશા છે. તાજેતરના વર્ષોમાં બોર્ડે પ્રમુખ પદ માટે સતત પૂર્વ ક્રિકેટરોને પસંદ કર્યા છે અને મિથુન મન્હાસ પહેલાં સૌરવ ગાંગુલી અને રોજર બિન્ની આ પદ સંભાળી ચૂક્યા છે.