)
Asia Cup 2025 : 14 સપ્ટેમ્બરના રોજ ભારતે એશિયા કપ 2025માં પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. આ મેચ પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ પણ મિલાવ્યા નહોતા. આ અંગે પાકિસ્તાનમાં ભારે હોબાળો મચી ગયો છે. આ દરમિયાન ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ યુસુફે ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
લાઈવ ટીવી પર યુસુફે ભારતની T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. એન્કરે વારંવાર તેમને અટકાવ્યા હતા કે નામ સૂર્યકુમાર યાદવ છે, પરંતુ તેમ છતાં તેનું નામ ખોટી રીતે લેતો રહ્યો. તે શોમાં યુસુફે જે રીતે ટીમ ઈન્ડિયા વિશે વાત કરી તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે ભારત સામેની હાર બાદ ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડીઓ અકળાયા છે.
એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયા સામે મળેલી કારમી હારનો આઘાત પાકિસ્તાન ભૂલી શકતું નથી. હવે પાકિસ્તાનના ખેલાડીઓએ અપશબ્દોનો આશરો લીધો છે. મોહમ્મદ યુસુફનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ICCએ પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ઝટકો આપ્યો છે અને ભારત-પાકિસ્તાન મેચના રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવાનો ઇનકાર કર્યો છે.
પાકિસ્તાની ખેલાડીઓ ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવથી ગુસ્સે છે કારણ કે 14 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી મેચ દરમિયાન સૂર્યાએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા. ટોસ દરમિયાન અને મેચ પછી પણ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓથી અંતર રાખ્યું હતું.
પાકિસ્તાને આ માટે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને જવાબદાર ઠેરવ્યા અને તેમને હટાવવાની માંગ કરી. પીસીબીએ આઈસીસીને પણ ફરિયાદ કરી. પીસીબીએ આરોપ લગાવ્યો કે ભારતીય ટીમે એન્ડીના કારણે હાથ મિલાવ્યા નહોતા. પરંતુ આઈસીસીએ તેને સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે. આઈસીસીએ આ મામલાની તપાસ કર્યા પછી પીસીબીને નિર્ણય અંગે જાણ કરી છે.