)
Ben Stokes: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઈંગ્લેન્ડની જીત કેપ્ટન બેન સ્ટોક્સ માટે ખરાબ સ્વપ્ન સમાન સાબિત થઈ છે. આ જીત બાદ કેપ્ટન સ્ટોક્સ એક નાઇટક્લબ વિવાદમાં ફસાયો, જેના કારણે તેને ન્યૂઝીલેન્ડ સામે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ક્રિકેટ બોર્ડે ફાસ્ટ બોલર ગસ એટકિંસનને પણ બહાર કરી દીધો છે. સોમવારે ટીમે મિડનાઇટ કર્ફ્યૂનો નિયમ તોડ્યો અને જીતનો જશ્ન મનાવવા લંડનની એક નાઇટક્લબમાં ગયા હતા. ક્લબમાં એટકિંગન અને સ્ટોક્સનો એક રગ્બી ખેલાડી સાથે વિવાદ થયો અને હવે બંનેને બહાર કરી દેવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રગ્બી પ્લેયર ટોટોઆ ઔવાનો વિવાદ એટકિંસન સાથે થયો અને આ મુદ્દો ચર્ચામાં આવી ગયો. Talksport ના રિપોર્ટ પ્રમાણે રગ્બી પ્લેયરે એટકિંસનને મુક્કો મારવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ચૂકી ગયો અને ટીમના સિક્યોરિટી ગાર્ડને વાગ્યો હતો. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું કે ગાર્ડને ટાંકા આવ્યા છે. પરંતુ તેના જવાબમાં સ્ટોક્સ અને એટકિંસને કંઈ કર્યું કે નહીં તે સ્પષ્ટ થયું નથી. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
કોણ સંભાળશે ટીમની કમાન?
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે બીજી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી છે, જેમાં જો રૂટને વચગાળાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વર્ષ 2022 બાદ કેપ્ટનશિપ છોડ્યા બાદ તે ફરી ટીમની કમાન સંભાળશે. હેરી બ્રૂક ટીમનો વાઇસ કેપ્ટન હતો, પરંતુ તેને ટીમની કમાન મળી નથી. બીજીતરફ આ વિવાદ બાદ તેમ કહેવામાં આવી રહ્યું છે કે સ્ટોક્સ નિવૃત્તિની જાહેરાત પણ કરી શકે છે.
કેવો છે રૂટનો કેપ્ટનશિપ રેકોર્ડ?
રૂટની આગેવાનીની વાત કરીએ તો તેણે 2017થી 2022 વચ્ચે રેકોર્ડ 64 ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની કમાન સંભાળી હતી. 35 વર્ષીય રૂટ ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. 17 ટેસ્ટ મેચમાં માત્ર એક જીત મળ્યા બાદ તેણે ટીમની કમાન છોડી દીધી હતી. ઈંગ્લેન્ડની ટીમમાં જોફ્રા આર્ચર અને જોર્ડન કોક્સને પણ સામેલ કરવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 17 જૂનથી શરૂ થશે.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ
જો રૂટ (કેપ્ટન), રેહાન અહમદ, જોફ્રા આર્ચર, સોની બેકર, શોએબ બશીર, જેકબ બેથલ, હેરી બ્રૂક, જોર્ડન કોક્સ, બેન ડકેટ, મેથ્યૂ ફિશર, એમિલિયો ગે, જેમ્સ રેવ, ઓલી રોબિન્સન, જેમી સ્મિથ, જોશ ટંગ.