કોહલી-રોહિત સહિત સમગ્ર ભારતીય ટીમને મોટો ઝટકો, BCCI આ નિયમમાં નહીં આપે રાહત

BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને વિદેશ પ્રવાસ પર પરિવારને સાથે લઈ જવાના નિયમને લઈને મોટું નિવેદન આપ્યું છે.  વર્તમાન નીતિના અમલને લઈને માહિતી આપી છે અને BCCIનું આ અંગે શું વલણ છે, તે અંગે જણાવ્યું છે.
 

કોહલી-રોહિત સહિત સમગ્ર ભારતીય ટીમને મોટો ઝટકો, BCCI આ નિયમમાં નહીં આપે રાહત

BCCIએ વિરાટ કોહલી અને રોહિત શર્મા તેમજ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને વિદેશ પ્રવાસ પર પરિવારને સાથે લઈ જવાના નિયમને લઈને મોટો ઝટકો આપ્યો છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ બુધવારે કહ્યું કે ભારતીય ક્રિકેટ બોર્ડ પરિવારને વિદેશ પ્રવાસ પર લઈ જવા અંગેની વર્તમાન માર્ગદર્શિકામાં કોઈ ફેરફાર કરી રહ્યું નથી. તાજેતરમાં, વિરાટ કોહલીએ વિદેશ પ્રવાસ દરમિયાન પરિવારને સાથે રાખવાનું સમર્થન કર્યું હતું, બીજા દિવસે ઘણા અહેવાલો સામે આવ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કદાચ BCCI પરિવારને સાથે લઈ જવાના નિયમને હળવો કરવાનો નિર્ણય લઈ શકે છે.

દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે, વર્તમાન નીતિ આ સમયે યથાવત રહેશે કારણ કે તે દેશ અને અમારી સંસ્થા BCCI બંને માટે અત્યંત મહત્વની છે. BCCI માને છે કે આ મામલે કેટલીક નારાજગી અથવા અલગ-અલગ મંતવ્યો હોઈ શકે છે. લોકશાહી વ્યવસ્થામાં લોકોને તેમના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે. આ નીતિ ટીમના તમામ સભ્યો - ખેલાડીઓ, કોચ, મેનેજરો, સહાયક સ્ટાફ અને સામેલ દરેકને સમાનરૂપે લાગુ પડે છે અને દરેકના શ્રેષ્ઠ હિતોને ધ્યાનમાં રાખીને અમલમાં મુકવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, આ નીતિ રાતોરાત બનાવવામાં આવી ન હતી, તે દાયકાઓથી અમલમાં છે. 

ઓસ્ટ્રેલિયામાં પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતની 1-3થી હાર બાદ, ભારતીય ક્રિકેટ બોર્ડે સૂચનાઓ જારી કરી હતી કે 45 દિવસથી વધુના પ્રવાસમાં ક્રિકેટરો તેમના પરિવારને વધુમાં વધુ 14 દિવસ સુધી તેમની સાથે રાખી શકે છે. માર્ગદર્શિકા અનુસાર, આનાથી ઓછા સમયગાળાના પ્રવાસ પર ખેલાડીઓ વધુમાં વધુ એક અઠવાડિયા માટે તેમના પરિવારને તેમની સાથે રાખી શકે છે.

જ્યારે વિરાટ કોહલીએ શનિવારે આરસીબીની 'ઇનોવેશન લેબ' કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, લોકોને પરિવારની ભૂમિકા સમજાવવી ખૂબ મુશ્કેલ છે. જ્યારે પણ તમે તણાવપૂર્ણ પરિસ્થિતિમાં હોવ ત્યારે તમારા પરિવારમાં પાછા આવવું કેટલું મહત્વપૂર્ણ છે. મને નથી લાગતું કે લોકો તેનું મહત્વ સમજે છે.

વિરાટે કહ્યું કે, જો તમે કોઈપણ ખેલાડીને પૂછો કે શું તમે ઈચ્છો છો કે તમારો પરિવાર હંમેશા તમારી આસપાસ રહે ? તો તેઓ 'હા' જ કહેશે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ બીસીસીઆઈ સેક્રેટરી સાથે આ અંગે ચર્ચા કરી છે પરંતુ કદાચ તે ખેલાડીઓની ચિંતા દૂર કરી શક્યા નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news