)
એશિયા કપ 2025માં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં T20 ફોર્મેટની 13 મેચ રમાઈ છે. આમાં, ભારતીય ટીમ 10 મેચમાં વિજેતા રહી છે. પાકિસ્તાને ત્રણ મેચ જીતી છે. એકંદરે ભારત એશિયા કપની સૌથી સફળ ટીમ છે. 1984થી 2023 સુધી ODI અને T20 ફોર્મેટમાં કુલ 16 મેચો રમાઈ છે. ભારતીય ટીમ 8 વખત વિજેતા રહી છે.
ભારત-પાકિસ્તાન મેચ પહેલા કેપ્ટન ઈજાગ્રસ્ત!
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત સામેની એશિયા કપ 2025 મેચ પહેલા પ્રેક્ટિસ દરમિયાન પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાને ગરદનમાં થોડી ખેંચાણ થઈ હતી. પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટને વિશ્વાસ છે કે સલમાન આગા ટૂંક સમયમાં ફિટ થઈ જશે. પાકિસ્તાન ઈજાથી ચિંતિત છે. કેપ્ટન સલમાન આગા બુધવારે દુબઈમાં ICC એકેડેમીમાં એક મોટા પ્રેક્ટિસ સેશનના હાજર રહી શક્યો નહોતો.
ફિટનેસને લઈને મોટું સસ્પેન્સ
સલમાન આગા શુક્રવાર, 12 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં ઓમાન સામે પાકિસ્તાનનું નેતૃત્વ કરવાનો છે, પરંતુ હળવા ખેંચાણ પછી તે ગરદન પર પાટો બાંધેલો જોવા મળ્યો હતો. એશિયા કપ 2025 ગ્રુપ મેચ 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી છે. હવે સલમાન આગાની ફિટનેસને લઈને એક જબરદસ્ત સસ્પેન્સ ઉભો થયો છે. જીઓ ન્યૂઝના અહેવાલ મુજબ, સલમાન આગા ટીમ સાથે મુસાફરી કરી રહ્યો હતો, પરંતુ તે વોર્મ-અપ્સ અને હળવી ફૂટબોલ પ્રેક્ટિસથી દૂર રહ્યો, જ્યારે બાકીના ખેલાડીઓએ સંપૂર્ણ ફિટનેસ રૂટિનનું પાલન કર્યું. સલમાન આગાની ફિટનેસથી પાકિસ્તાની કેમ્પમાં ચિંતાઓ વધી ગઈ, ખાસ કરીને રવિવારે ભારત સામેની હાઇ-વોલ્ટેજ મેચને ધ્યાનમાં રાખીને.
પીસીબીની પ્રતિક્રિયા સામે આવી
જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ આ ચિંતાઓને ઓછી ગણાવી છે અને સ્પષ્ટતા કરી છે કે તે એક નાની અને સાવચેતીભરી બાબત છે. સલમાન આગા ટૂંક સમયમાં પ્રેક્ટિસ પર પાછા ફરે તેવી અપેક્ષા છે અને પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટને વિશ્વાસ છે કે તેમનો કેપ્ટન એશિયા કપ 2025ની મહત્વપૂર્ણ મેચોમાં પાકિસ્તાનનું નેતૃત્વ કરવા માટે ફિટ થઈ જશે. યુએઈમાં T20 ત્રિકોણીય શ્રેણી જીત્યા બાદ પાકિસ્તાન એશિયા કપ 2025માં રમી રહ્યું છે, જ્યાં તેમણે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ફાઇનલમાં અફઘાનિસ્તાનને 75 રને હરાવ્યું હતું.