)
Asif Ali Retire : 9 સપ્ટેમબરથી એશિયા કપ 2025 શરૂ થઈ રહ્યો છે. આ માટે પાકિસ્તાને પોતાની ટીમ જાહેર કરી દીધી છે. જેમાં પાકિસ્તાનના 33 વર્ષીય બેટ્સમેન આસિફ અલીનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. ત્યારે હવે આસિફ અલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આસિફ હવે ફ્રેન્ચાઇઝી અને સ્થાનિક ક્રિકેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તેને બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળ રમવાની ઘણી તકો મળી હતી.
આસિફે શું કહ્યું ?
સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરતા આસિફે કહ્યું, "પાકિસ્તાનની જર્સી પહેરવી મારા જીવનનો સૌથી મોટું સન્માન રહ્યું છે અને ક્રિકેટના મેદાન પર મારા દેશની સેવા કરવી મારા માટે સૌથી ગર્વનું પ્રકરણ રહ્યું છે." તેણે આગળ કહ્યું કે તે સ્થાનિક અને લીગ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.
આસિફ અલીની કારકિર્દી
આસિફે 1 એપ્રિલ 2018ના રોજ કરાચીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 મેચથી પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે છેલ્લી મેચ 7 ઓક્ટોબર 2023ના રોજ હાંગઝોઉમાં બાંગ્લાદેશ સામે હતી. તેની પાંચ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં, આસિફે 16 ODI ઇનિંગ્સમાં 382 રન અને 51 T20 ઇનિંગ્સમાં 577 રન બનાવ્યા, જેમાં તેની સ્ટ્રાઇક રેટ 133.87 હતી.
આસિફની યાદગાર ઇનિંગ
આસિફ 2021 T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ટીમનો ભાગ હતો. આ ટુર્નામેન્ટમાં તેણે અફઘાનિસ્તાન સામેની રોમાંચક મેચમાં માત્ર 7 બોલમાં 25 રન બનાવ્યા. તેણે ભારત સામે પણ એક મેચ રમી, જે બાબર આઝમની ટીમે 10 વિકેટથી જીતી હતી.
પાકિસ્તાનની ટીમમાં ઘણા મોટા નામો ખૂટે છે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ તાજેતરમાં એશિયા કપ 2025 માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી, જેમાં ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને સ્થાન મળ્યું નહોતું. તેમના સિવાય, શાદાબ ખાન, ઇફ્તિખાર અહેમદ, નસીમ શાહ અને અબ્બાસ આફ્રિદી જેવા ખેલાડીઓનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. જોકે, શાહીન શાહ આફ્રિદી અને હરિસ રૌફ પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા. સલમાન અલી આગા આ ટીમનું નેતૃત્વ કરશે.