)
Pakistan Squad for Asia Cup : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ એશિયા કપ 2025 માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. એશિયા કપ પહેલા ટીમ શારજાહમાં અફઘાનિસ્તાન અને UAE સાથે ત્રિકોણીય સિરીઝ રમશે. સિનિયર ખેલાડીઓ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને બંને ટીમોમાંથી બહાર કરવામાં આવ્યા છે.
બાબર-રિઝવાન બહાર
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે સિનિયર ખેલાડીઓ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને T20 ટીમમાં પાછા બોલાવવામાં આવશે, પરંતુ આવું થયું નથી. પાકિસ્તાનના પસંદગીકારોએ તેમની રણનીતિ પર અડગ રહીને આગામી T20 ત્રિકોણીય શ્રેણી અને એશિયા કપ 2025 માટે યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી કરી છે.
ટીમમાં શાહીન, હરિસ અને ફખર
શાહીન આફ્રિદી ફાસ્ટ બોલિંગનું નેતૃત્વ કરશે. ફાસ્ટ બોલર હરિસ રૌફને પણ તેને ટેકો આપવા માટે પસંદ કરવામાં આવ્યો છે. બેટ્સમેન ફખર ઝમાન અને ખુશદિલ શાહ એકમાત્ર એવા સિનિયર ખેલાડીઓ છે જેમણે આગામી પડકારો માટે પસંદગીકારોનો વિશ્વાસ મેળવ્યો છે. વિકેટકીપર મોહમ્મદ હરિસે પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
ત્રિકોણીય સિરીઝ 29 ઓગસ્ટથી શરૂ થશે
પસંદગીકારોએ હસન નવાઝ, સલમાન મિર્ઝા અને સુફિયાન મુકીમ જેવા યુવા ખેલાડીઓમાં પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. T20 ત્રિકોણીય સિરીઝ 29 ઓગસ્ટથી શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થશે, જ્યારે એશિયા કપ આવતા મહિને UAEમાં રમાશે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. પાકિસ્તાનની પહેલી મેચ 12 સપ્ટેમ્બરે ઓમાન સામે હશે. તે 14મીએ ભારત સામે રમશે. સુપર ફોર રાઉન્ડની મેચો 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે અને ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરે યોજાશે.
T20 ત્રિકોણીય સિરીઝ અને એશિયા કપ 2025 માટે પાકિસ્તાન ટીમ :
સલમાન અલી આગા (કેપ્ટન), મોહમ્મદ હરિસ (વિકેટકીપર), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર ઝમાન, હરિસ રૌફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, સાહિબજાદા ફરહાન, શાહીન શાહ આફ્રિદી, સુફિયાન મુકીમ, સૈમ અયુબ અને સલમાન મિર્ઝા.