)
Rahul Dravid : રાહુલ દ્રવિડે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રાજસ્થાન રોયલ્સ (RR) ટીમના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપી દીધું છે. ફ્રેન્ચાઇઝે રાહુલ દ્રવિડ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે 46 મેચ રમનાર દ્રવિડ ગયા વર્ષે ટીમના મુખ્ય કોચ બન્યા હતા. તેમના કોચિંગ હેઠળ, IPL 2025માં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન બહુ સારું નહોતું.
રાજસ્થાન રોયલ્સ દ્વારા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'હેડ કોચ રાહુલ દ્રવિડ IPL 2026 પહેલા રાજસ્થાન રોયલ્સ સાથેનો તેમનો કાર્યકાળ સમાપ્ત કરશે. રાહુલ ઘણા વર્ષોથી રોયલ્સની સફરમાં મુખ્ય ખેલાડી રહ્યા છે. તેમના નેતૃત્વએ ખેલાડીઓની એક પેઢીને પ્રભાવિત કરી છે. તેમણે ટીમમાં મજબૂત મૂલ્યો સ્થાપિત કર્યા છે અને ફ્રેન્ચાઇઝની સંસ્કૃતિ પર અમીટ છાપ છોડી છે.'
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'ફ્રેન્ચાઇઝના માળખાની સમીક્ષાના ભાગરૂપે રાહુલને એક મોટા પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તેનો સ્વીકાર કર્યો નહીં. રાજસ્થાન રોયલ્સ, તેના ખેલાડીઓ અને વિશ્વભરના લાખો ચાહકો દ્રવિડનો તેમની ઉત્કૃષ્ટ સેવાઓ માટે આભાર માને છે.'
રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ રાજસ્થાન રોયલ્સ IPL 2025માં 14માંથી ફક્ત ચાર મેચ જીતી શક્યું. આ કારણે, તેઓ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને રહ્યા. રાજસ્થાન રોયલ્સના કોચ બનતા પહેલા, દ્રવિડ ભારતીય ટીમમાં મુખ્ય કોચની જવાબદારી સંભાળી રહ્યા હતા. દ્રવિડના કોચિંગ અને રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ 2024માં T20 વર્લ્ડ કપ જીત્યો. જ્યારે દ્રવિડના કોચિંગ હેઠળ, ભારતીય ટીમ 2023માં ODI વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી.