)
Matheesha Pathirana: IPL 2026 પહેલા, તમામ ટીમોએ ફેરફાર કરવાનું મન બનાવી લીધું છે. 15 નવેમ્બરે રિટેન્શન લિસ્ટ આવે તે પહેલાં CSKએ પણ મોટો નિર્ણય લીધો અને રવીન્દ્ર જાડેજાને ટીમમાંથી રિલીઝ કરીને રાજસ્થાન રોયલ્સ પાસેથી સંજુ સેમસનને ટ્રેડ કરી લીધો. હવે CSK વધુ એક મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે. ટીમ, જાડેજા પછી હવે વધુ એક સ્ટાર ખેલાડીને બહાર કાઢવાની યોજના બનાવી રહી છે.
હવે આ ખેલાડીને બહાર કાઢવાની તૈયારીમાં CSK
જાડેજા પછી, 5 વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ ફાસ્ટ બોલર મથીશા પથિરાનાને બહાર કાઢવાની તૈયારીમાં છે. ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, CSK પથિરાનાને રિલીઝ કરી શકે છે. IPL 2025 પહેલાં CSKએ મથીશાને ₹13 કરોડમાં રિટેન કર્યો હતો. પરંતુ હવે CSK પથિરાનાને રિલીઝ કરવાનો નિર્ણય લઈ ચૂકી છે.
પથિરાનાનો IPL અને તાજેતરનો દેખાવ
22 વર્ષીય પથિરાનાએ CSK માટે IPL 2025 માં 12 મેચમાં 13 વિકેટ લીધી હતી. આ ઉપરાંત, વર્ષ 2024 માં તેણે 6 મેચમાં 13 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. વળી, વર્ષ 2023 માં પથિરાનાએ CSK માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 12 મેચમાં 19 વિકેટ લીધી હતી. પથિરાના તેની સચોટ લાઇન અને લેન્થ માટે જાણીતા છે. તે યોર્કર બોલિંગ કરવામાં માહેર છે. ટીમને જ્યારે પણ ડેથ ઓવર્સમાં ઇકોનોમિકલ બોલિંગની જરૂર હોય છે, ત્યારે પથિરાના તેમાં સફળ રહે છે.
નબળો રહ્યો છે તાજેતરનો દેખાવ
પથિરાનાના તાજેતરના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે એશિયા કપ 2025માં બાંગ્લાદેશ સામે માત્ર એક જ મેચ રમી હતી, જેમાં તેને કોઈ વિકેટ મળી નહોતી. આ પહેલાં ઝિમ્બાબ્વે સામેની મેચમાં પથિરાનાએ 1 વિકેટ ઝડપી હતી. તેણે અત્યાર સુધી 15 વન-ડે મેચમાં 17 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે, જ્યારે 21 ટી-20 મેચમાં તેણે 31 વિકેટ લીધી છે. IPLમાં તેણે અત્યાર સુધી કુલ 4 સીઝન રમી છે, જેમાં તેણે 47 બેટ્સમેનોને આઉટ કર્યા છે.