)
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે મીની ઓક્શન 15 ડિસેમ્બરે થવાની ધારણા છે. ઓક્શન પહેલા બધી ટીમોએ 15 નવેમ્બર સુધીમાં તેમની રીટેન્શન યાદીઓ સબમિટ કરવાની રહેશે. આ વચ્ચે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને લઈને ચર્ચા વધી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) IPL 2026 પહેલા રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસન માટે જાડેજા અને સેમ કુરનને ટ્રેડ કરી શકે છે.
રવિન્દ્ર જાડેજાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ 'ગાયબ'
ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સંભવિત ટ્રેડ કરારની ચર્ચા ચાલુ છે. દરમિયાન રવિન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સોમવારે અચાનક ગાયબ થઈ ગયું, જેના કારણે સોશિયલ મીડિયા પર અટકળો શરૂ થઈ ગઈ. જાડેજાનું સત્તાવાર યુઝરનેમ, 'royalnavghan', હવે ઇન્સ્ટાગ્રામ પર દેખાતું નથી.
રવિન્દ્ર જાડેજાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની પ્રોફાઇલ લિંક પણ બ્રોકન દેખાય છે. જો કે, તે સ્પષ્ટ નથી કે જાડેજાએ પોતાનું એકાઉન્ટ જાતે ડિએક્ટિવેટ કર્યું હતું કે કોઈ અન્ય ટેકનિકલ કારણોસર, તેની IPL કારકિર્દી અંગે પ્રશ્નો વધુ ઘેરા બન્યા છે. રસપ્રદ વાત એ છે કે, રવિન્દ્ર જાડેજાની પહેલી IPL ટીમ રાજસ્થાન રોયલ્સ હતી.
જાડેજાની પહેલી આઈપીએલ ટીમ કઈ હતી ?
રવિન્દ્ર જાડેજા 2008માં માત્ર 19 વર્ષની ઉંમરે રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો હતો. રાજસ્થાને શરૂઆતની સિઝનમાં તેનું પહેલું ટાઇટલ જીત્યું હતું. ત્યારથી ટીમ ચેમ્પિયન બની નથી. 2010માં કરારના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ જાડેજાને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જાડેજા 2012માં ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાયો.
રવીન્દ્ર જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સે જીતેલા પાંચ IPL ટાઇટલમાંથી ત્રણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 2022માં તેને ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ખરાબ પ્રદર્શનને કારણે તેણે સીઝનની મધ્યમાં આ ભૂમિકા છોડી દીધી. જાડેજાને IPL 2025 માટે CSK દ્વારા 18 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.
36 વર્ષીય રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધીમાં 254 IPL મેચ રમી છે, જેમાં 3,260 રન બનાવ્યા છે અને 170 વિકેટ લીધી છે. તે CSK માટે બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર (152) છે. ડ્વેન બ્રાવોએ 154 સાથે CSK માટે સૌથી વધુ વિકેટ લીધી છે. 2023ની IPL ફાઇનલમાં છેલ્લી ઓવરમાં જાડેજાના શાનદાર બેટિંગ પ્રદર્શનથી તેમની ટીમને જીતવામાં મદદ મળી.