)
Rinku Singh-Priya Saroj: રિંકુ સિંહ હાલમાં દુબઈમાં છે, જ્યાં ટીમ ઈન્ડિયા 14 સપ્ટેમ્બરે એશિયા કપ 2025માં પાકિસ્તાન સામે આગામી મેચ રમશે. આ પહેલા રિંકુ સિંહે પ્રિયા સરોજ સાથેના પોતાના સંબંધો અંગે મોટો ખુલાસો કર્યો છે. નોંધનીય છે કે, રિંકુ અને પ્રિયાની સગાઈ થોડા સમય પહેલા થઈ હતી, બન્નેના લગ્ન નવેમ્બરમાં થવાના હતા, પરંતુ હવે તે કદાચ આવતા વર્ષ સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. રિંકુએ જણાવ્યું કે, કેવી રીતે IPLમાં તે 5 સિક્સરના કારણે તેમનો સંબંધ મજબૂત થયો, કારણ કે પ્રિયા રડવા લાગી હતી.
રિંકુ સિંહે IPL 2023ની 13મી મેચમાં સતત 5 સિક્સર ફટકાર્યા હતા, તે પણ ત્યારે જ્યારે KKRને છેલ્લી ઓવરમાં જીતવા માટે 29 રનની જરૂર હતી. કોઈએ વિચાર્યું ન હતું કે, હવે KKR આ મેચ જીતી શકશે, પરંતુ ઉમેશ યાદવે પહેલા બોલ પર સિંગલ લઈને રિંકુને સ્ટ્રાઈક આપી અને તેમણે સતત 5 બોલમાં 5 છગ્ગા ફટકારીને પોતાની ટીમને વિજયી બનાવી.
2 વર્ષ બાદ રિંકુ સિંહે કર્યો ખુલાસો
રિંકુ સિંહે હવે 2 વર્ષ પછી તે ઘટનાને યાદ કરતા જણાવ્યું કે, કેવી રીતે તેનાથી પ્રિયા સાથેનો તેમનો સંબંધ મજબૂત બન્યો. રાજ શમનીની યુટ્યુબ ચેનલ પર વાત કરતા તેમણે કહ્યું કે, તે સમયે પ્રિયા સરોજના પિતાને ખબર નહોતી કે હું કોણ છું. નોંધનીય છે કે, સાંસદ પ્રિયા સરોજના પિતા તૂફાની સિંહ પણ સાંસદ રહી ચૂક્યા છે, હાલમાં તેઓ ધારાસભ્ય છે.
રિંકુ સિંહે આગળ કહ્યું કે, જ્યારે તેમણે તે ઇનિંગ રમી ત્યારે પ્રિયા સરોજ ભાવુક થઈ ગઈ હતી. તે ફોન પર રડી રહી હતી. સાચી દીદી (ક્રિકેટર નીતિશ રાણાની પત્ની)એ મને કહ્યું કે, પ્રિયા ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી.
રિંકુએ આગળ કહ્યું કે, તે દિવસ મારા માટે ખૂબ જ ખાસ હતો. 5 સિક્સર પછી લોકો મને ઓળખવા લાગ્યા હતા, તેથી મને લાગ્યું કે હવે કદાચ વસ્તુઓ સરળ થઈ જશે. રિંકુએ જણાવ્યું કે, તે સમયે તેના પિતા (તુફાની સરોજ)ને ખબર નહોતી કે હું કોણ છું. તેમને ક્રિકેટમાં પણ કોઈ રસ નહોતો, તેથી પ્રિયાના પિતા મારા વિશે વધુ જાણતા નહોતા.
5 સિક્સરે રાતોરાત બદલી નાખી જિંદગી
યશ દયાલની આ ઓવરમાં 5 સિક્સર ફટકાર્યા પછી રિંકુ સિંહની જિંદગી બદલાઈ ગઈ, રિંકુને ઓળખ મળી ગઈ હતી. તેમણે કહ્યું કે, મેં જેટલી મહેનત કરી, તેનું ફળ મને તે જ મેચમાં મળ્યું. તેમના સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધવા લાગ્યા. રિંકુ સિંહ અને પ્રિયા સરોજ આવતા વર્ષે લગ્ન કરી શકે છે, બન્નેએ આ વર્ષે જૂનમાં સગાઈ કરી હતી.