રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝમાં મળી શકે છે આરામ
ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના લાંબા પ્રવાસ બાદ ભારતીય ઓપનર રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરઆંગણે શરૂ થઈ રહેલી સિરીઝમાં આરામ આપવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ વિશ્વકપ પહેલા ટીમ ઈન્ડિયાએ હવે માત્ર 7 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે. વિશ્વકપની ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ 24 ફેબ્રુઆરીથી ભારતના પ્રવાસે આવશે. તે યજમાન ટીમ વિરુદ્ધ બે ટી20 અને 5 વનડે મેચ રમશે. જાણવા મળ્યું છે કે, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના લાંબા પ્રવાસ બાદ રોહિત શર્માને આરામ આપી શકાય છે. સૂત્રો પ્રમાણે, તેને વનડે સિરીઝમાંથી બહાર રાખવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝમાં 3-0ની અજેય સરસાઈ મેળવ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીની આરામ આપવામાં આવ્યો હતો અને તે ત્રણ મેચોની ટી20 સિરીઝમાંથી પણ બહાર રહ્યો હતો. તેવામાં રોહિતે ટીમની કમાન સંભાળી હતી. ભારતે કીવી વિરુદ્ધ 4-1થી વનડે સિરીઝ જીતી પરંતુ ટી20 સિરીઝ 1-2થી ગુમાવી દીધી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આરામ કર્યા બાદ વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ટીમમાં પરત ફરશે.
જ્યારે કાર્યભારની વાત આવે છે તો પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટના એક મંતવ્ય સામે આવે છે. હાલમાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ સંકેત આપ્યા હતા કે 23 માર્ચથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન પણ ખેલાડીઓના વર્કલોડ પર નજર રાખવામાં આવશે.
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસીની સંભાવના છે, જેને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ નિર્ધારિત ઓવરની સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. બીજીતરફ પસંદગી સમિતિના પ્રમુખ એમએસકે પ્રસાદે કહ્યું કે, સ્પિનર કુલદીપ યાદવ અને ચહલની હાજરી પર વિચાર કરીશું.
આ વચ્ચે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેએલ રાહુલ અને રહાણેને પસંદગીકારોને પ્રભાવિત કરવાની વધુ એક તક મળી શકે છે. એવું લાગી રહ્યું છે કે, ટીમ મેનેજમેન્ટ વિશ્વકપ માટે બેકઓફ ઓપનર રાખી શકે છે. બંન્નેમાંથી કોઈ એકને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝ અને આઈપીએલમાં પ્રદર્શનના આધાર પર વિશ્વકપની ટિકિટ મળી શકે છે.
ટી20 સિરીઝ
24 ફેબ્રુઆરી, પ્રથમ ટી20, વિશાખાપટ્ટનમ, સાંજે સાત કલાકે
27 ફેબ્રુઆરી, બીજી ટી20, બેંગલુરૂ, સાંજે સાત કલાકે
વનડે સિરીઝ
2 માર્ચ, પ્રથમ વનડે, હૈદરાબાદ, બપોરે 1.30 કલાકે
5 માર્ચ, બીજી વનડે, નાગપુર, બપોરે 1.30 કલાકે
8 માર્ચ, ત્રીજી વનડે, રાંચી, બપોરે 1.30 કલાકે
10 માર્ચ, ચોથી વનડે, મોહાલી, બપોરે 1.30 કલાકે
13 માર્ચ, પાંચમી વનડે, દિલ્હી, બપોરે 1.30 કલાકે