)
Irfan Pathan Commentary: ભારતીય ટીમ માટે ઓસ્ટ્રેલિયાનો છેલ્લો પ્રવાસ ભૂલી જવા જેવો રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 1-3થી હારનો સામનો કર્યો હતો. આ પ્રવાસ પછી ભારતના ત્રણ મોટા ખેલાડીઓની ટેસ્ટ કરિયર નિવૃત્તિ જાહેર કરી છે. રવિચંદ્રન અશ્વિને સિરીઝની મધ્યમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માએ થોડા મહિનાઓ પછી આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પ્રવાસ દરમિયાન કંઈક એવું પણ થયું હતું, જેના કારણે ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણને કોમેન્ટ્રીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.
રોહિત શર્માનું ખરાબ ફોર્મ
ભારતીય ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માએ ખરાબ ફોર્મને કારણે સિરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ ન રમવાનો નિર્ણય લીધો હતો. રોહિત સિરીઝ પહેલી મેચ પણ રમ્યો ન હતો અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેનું બેટથી પ્રદર્શન ખૂબ નિરાશાજનક રહ્યુ હતું. રોહિતે ત્રણ ટેસ્ટ મેચમાં ફક્ત 164 રન બનાવ્યા હતા, જેમાં ફક્ત એક અડધી સદીનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયામાં વિદેશી કેપ્ટન તરીકે તેની સરેરાશ 6.20 સૌથી ખરાબ હતી. આ કારણે છેલ્લી ટેસ્ટમાં તેમની ગેમ પર પ્રશ્નો ઉભા થયા હતા.
ઇરફાન પઠાણનું મોટું નિવેદન
'લલ્લનટોપ'ને આપેલા ઇન્ટરવ્યુમાં ઇરફાન પઠાણે જણાવ્યું કે, બ્રોડકાસ્ટરોએ ઇન્ટરવ્યુ દરમિયાન રોહિત પ્રત્યે સન્માનજનક વલણ જાળવી રાખવું હતું, ભલે રોહિતનું પ્રદર્શન ખરાબ રહ્યું હોય. પઠાણે સ્પષ્ટપણે કહ્યું કે, જો રોહિત કેપ્ટન ન હોત, તો તેમને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હોત. તેમણે કહ્યું કે, "રોહિત શર્મા સફેદ બોલ ક્રિકેટમાં એક શાનદાર ખેલાડી છે, પરંતુ તે વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં તેમની સરેરાશ 6 હતી. તેથી જ અમે કહ્યું હતું કે, જો તે કેપ્ટન ન હોત, તો તેને ટીમમાં સ્થાન મળ્યું ન હોત અને આ સાચું છે."
'તે અમારા મહેમાન હતા'
પઠાણે આગળ કહ્યું કે, "લોકો કહે છે કે અમે રોહિત શર્માને જરૂરતથી વધારે સમર્થન કર્યું. જ્યારે કોઈ તમારી બ્રોડકાસ્ટિંગ ચેનલ પર ઇન્ટરવ્યૂ આપવા આવે છે, ત્યારે તમે તેની સાથે ખરાબ વર્તન તો નહીં કરીશું? તમે તેને આમંત્રણ આપ્યું છે, તેથી તમે શાલીનતાથી વર્તન કરશો. જ્યારે રોહિત ઇન્ટરવ્યૂ માટે આવ્યો, ત્યારે અમે શાલીન હતા અને અમારે પણ આવું જ દેખાવું પડ્યું હતું, કારણ કે તે અમારા મહેમાન હતા. એ જ વાત ઉમેરીને એવું કહેવામાં આવ્યું કે, અમે તેમને સમર્થન કરી રહ્યા હતા, પરંતુ અમે જ કહ્યું હતું કે... અમે કહ્યું હતું કે, તેમણે લડતા રહેવું જોઈએ, પરંતુ તે વાત દૂર કરીએ, તો તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવું જોઈતું ન હતું. જો તે ટીમનો કેપ્ટન ન હોત, તો તેને ડ્રોપ કરી દેવામાં આવ્યો હોત.''
પઠાણે કર્યો ખુલાસો
પ્રવાસ પછી પઠાણને જ્યારે IPL 2025માં કોમેન્ટ્રી પેનલમાંથી દૂર કરવામાં આવ્યો, ત્યારે ખૂબ જ ચર્ચા થઈ. તે દેશના એક પ્રખ્યાત કોમેન્ટ્રીટર બની ગયા છે. ઇરફાને સત્ય જણાવતા કહ્યું કે, તેમનું કામ એક કોમેન્ટ્રીટર તરીકે સત્ય કહેવાનું છે.પઠાણે કોઈપણ ખેલાડીનું નામ લીધા વિના કહ્યું કે, જો ક્રિકેટર સારું પ્રદર્શન કરી રહ્યો હોય તો તેની પ્રશંસા કરવી અને જ્યારે તે ખરાબ રમી રહ્યો હોય ત્યારે તેની ટીકા કરવાનું કોમેન્ટ્રેટરનું કામ છે. કોમેન્ટેટર ફેન્સ પ્રત્યે જવાબદાર હોય છે.