127*: સૂઝી બેટ્સ અને એલિસ પેરીને પાછળ છોડી રોહિત શર્માએ ટી20 ક્રિકેટમાં બનાવ્યો નવો રેકોર્ડ
ભારતીય કેપ્ટન રોહિત શર્માના નામે હવે સૌથી વધુ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે. રોહિતે એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડ સામે પોતાના કરિયરની 127મી મેચ રમી હતી.
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન રોહિત શર્માના નામે સૌથી વધુ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે. ભારતના સ્ટાર બેટરે શનિવારે એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટી20 મેચમાં પોતાના કરિયરની 127મી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. રોહિત હવે સૌથી વધુ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસા પેરી અને ન્યૂઝીલેન્ડની ઓલરાઉન્ડર સૂઝી બેટ્સના 126 મેચના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. રોહિત પહેલા આ બંનેના નામે પુરૂષ અને મહિલા ક્રિકેટ બંનેમાં સર્વાધિક ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ હતો. પરંતુ ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની સિરીઝની પ્રથમ બે મેચ રમીને રોહિતે આ મામલે સરસાઈ બનાવી લીધી છે.
35 વર્ષીય ભારતીય બેટર રોહિત પુરૂષ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. તેણે 127 મેચની 119 ઈનિંગમાં અત્યાર સુધી 3368 રન બનાવ્યા છે. તેના નામે ચાર સદી અને 26 અડધી સદી નોંધાયેલી છે. પુરૂષ-મહિલા બંનેમાં રોહિત હજુ પણ સર્વાધિક ટી20 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર બીજો ખેલાડી છે. ન્યૂઝીલેન્ડની ઓલરાઉન્ડર સૂઝી બેટ્સ 126 મેચની 123 ઈનિંગમાં 3380 રન સાથે ટોપ પર છે. રોહિત જો રવિવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટી20 મેચમાં 13 કે તેનાથી વધુ રન બનાવશે તો બેટ્સને પાછળ છોડી મેન્સ અને વુમન્સ બંને કેટેગરીમાં સર્વાધિક રન બનાવનાર બેટર બની જશે.
આ પણ વાંચોઃ સ્વિંગ કિંગ ભુવનેશ્વર કુમારે રચ્યો ઈતિહાસ, ટી20 ક્રિકેટમાં બનાવ્યો ખાસ રેકોર્ડ
મેન્સ ક્રિકેટમાં પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન શોએબ મલિક 124 મેચની સાથે બીજા અને ઓલરાઉન્ડર મોહમ્મદ હફીઝ 119 મેચની સાથે ત્રીજા નંબરે છે. બંને ક્રિકેટર પાછલા આઈસીસી ટી20 વિશ્વકપમાં પાકિસ્તાનની ટીમના સભ્ય હતા. રોહિત 2007માં આઈસીસી મેન્સ ટી20 વિશ્વકપ જીતનારી ભારતીય ટીમનો સભ્ય હતો. 15 વર્ષના પોતાના લાંબા કરિયરમાં તેના નામે સર્વાધિક મેચ રમવાનો અને સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube