)
Mohsin Naqvi : એશિયા કપમાં ભારત સામે રાષ્ટ્રીય ટીમની સતત ત્રીજી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસીન નકવીની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. નકવીને તાત્કાલિક તેમના પદ પરથી દૂર કરવા માટે માંગ કરવામાં આવી રહી છે. રવિવારે રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાન ભારત સામે હારી ગયું હતું, ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ નકવી પાસેથી વિજેતા ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જે એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા પણ છે.
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના વરિષ્ઠ નેતા મૂનિસ ઇલાહીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "જો આ 'ચૂંટાયેલા' વડાપ્રધાન શાહબાઝ શરીફમાં હિંમત હોય, તો તેમણે મોહસીન નકવી સામે કાર્યવાહી કરવી જોઈએ, જેમણે આટલા ટૂંકા સમયમાં પાકિસ્તાન ક્રિકેટને બરબાદ કરી દીધું છે."
તેમણે વધુમાં કહ્યું, "આ બેશરમ માણસને કોઈ પસ્તાવો નથી, પરંતુ જેમણે તેને નિયુક્ત કર્યો છે તેઓએ વિચારવું જોઈએ. તેને તાત્કાલિક દૂર કરવો જોઈએ." સિંધના ભૂતપૂર્વ રાજ્યપાલ મોહમ્મદ ઝુબૈરે પણ નકવી પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે તેમણે ટોચના પાકિસ્તાની ખેલાડીઓને ટીમમાંથી બાકાત રાખ્યા છે, જેના કારણે ટીમ કટ્ટર હરીફ ભારત સામે સતત ત્રણ હારનો સામનો કરી રહી છે.
બાબર અને રિઝવાનનો ઉલ્લેખ
ઝુબૈરે દાવો કર્યો, "આ માણસે પાકિસ્તાનના શ્રેષ્ઠ બેટ્સમેન, બાબર આઝમને ટીમમાંથી બહાર કરી દીધા. તેણે પાકિસ્તાનના શ્રેષ્ઠ વિકેટકીપર-બેટ્સમેન, રિઝવાનને પણ બહાર કરી દીધો અને તેની જગ્યાએ સલમાન આગા અને હરિસ જેવા ખેલાડીઓને લીધા." તેણે આપણી બેટિંગને ખતમ કરી નાખી છે.' જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને રાજકીય સરખામણી કરતા કહ્યું કે, 'મોહસીન નકવી ક્રિકેટ સાથે એ જ કરી રહ્યા છે જે આર્મી ચીફ જનરલ અસીમ મુનીર પાકિસ્તાન સાથે કરી રહ્યા છે.'