)
Sai Sudharsan: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આવતા મહિને બે મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતની મુલાકાતે આવી રહી છે. આવી સ્થિતિમાં બન્ને દેશો વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 2 ઓક્ટોબરથી અમદાવાદમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી દિલ્હીમાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ સિરીઝ માટે એક ભારતીય બેટ્સમેને પસંદગી માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. આ ક્રિકેટરના ભારતની ટેસ્ટ ટીમમાં વાપસી અંગે થોડો સસ્પેન્સ હતો, પરંતુ હવે તેમણે એક ઇનિંગથી જ બાજી પલટાવી નાખી છે.
ટેસ્ટ સિરીઝ માટે ભારતીય બેટ્સમેને ઠોક્યો દાવો
ઓસ્ટ્રેલિયા A ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે. ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચેની પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટ મેચ લખનૌમાં રમાઈ રહી છે. ભારતીય બેટ્સમેન સાઈ સુદર્શને ઓસ્ટ્રેલિયા A સામેની પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 124 બોલમાં 73 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને તેની ઇનિંગ દરમિયાન 10 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગના આધારે સાઈ સુદર્શને 2 ઓક્ટોબરથી અમદાવાદમાં શરૂ થનારી વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદગી માટે દાવો કર્યો છે.
ઈંગ્લેન્ડ પ્રવાસ પર ફ્લોપ રહ્યો હતો સાઈ સુદર્શન
આ વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝ દરમિયાન સાઈ સુદર્શન ફ્લોપ રહ્યો હતો. સાઈ સુદર્શને ઈંગ્લેન્ડ સામેની ત્રણ ટેસ્ટમાં નંબર-3 બેટ્સમેન તરીકે અજમાવવામાં આવ્યો હતો, પરંતુ જેમાં તે ખરાબ રીતે નિષ્ફળ ગયો. સાઈ સુદર્શને ઈંગ્લેન્ડ સામેની લીડ્સ, માન્ચેસ્ટર અને ઓવલ ખાતે પ્રથમ, ચોથી અને પાંચમી ટેસ્ટ રમી હતી, જેમાં છ ઇનિંગ્સમાં 0, 30, 61, 0, 38 અને 11 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શનના ટેસ્ટ ક્રિકેટમાં ટેમ્પરામેન્ટ પર પણ પ્રશ્નો ઉભા થયા હતા.
ભારતની બેટિંગ લાઇનઅપમાં ઉથલપાથલ જોવા મળી
ઇંગ્લેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચમાં નંબર 3 બેટિંગ પોઝિશન પર સાઈ સુદર્શનના ફ્લોપ થવાને કારણે ભારતીય મિડલ ઓર્ડરમાં પણ ઉથલપાથલ જોવા મળી હતી. ખરાબ પ્રદર્શનને કારણે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન જ સાઈ સુદર્શનનું ટેસ્ટ કરિયરનો અંત માનવામાં આવ્યો હતો. જો કે, ઓસ્ટ્રેલિયા A સામેની પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટમાં 73 રન બનાવ્યા બાદ, સાઈ સુદર્શનને ભારતની ટેસ્ટ ટીમમાં ફરીથી તક આપવામાં આવી શકે છે. નોંધનીય છે કે, ટીમ ઇન્ડિયા પાસે શ્રેયસ ઐયર, સરફરાઝ ખાન, તિલક વર્મા અને અભિમન્યુ ઈશ્વરન જેવા પ્રતિભાશાળી બેટ્સમેન રાહ જોઈ રહ્યા છે.