)
Sanju Samson Century : સંજુ સેમસનન એશિયા કપ 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ છે. પરંતુ સંજુ સેમસનને પ્લેઇંગ 11માં સ્થાન મળશે કે નહીં તે અંગે સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. પરંતુ હવે આ પ્રશ્નો એક રીતે બંધ થઈ ગયા છે. સેમસનએ કેરળ ક્રિકેટ લીગમાં શાનદાર સદી ફટકારી છે. કેરળ ક્રિકેટ લીગ 2025માં કોચી બ્લુ ટાઇગર્સ તરફથી રમતી વખતે સંજુ સેમસને શાનદાર પ્રદર્શન કર્યું છે.
સંજુ સેમસનની શાનદાર સદી
તિરુવનંતપુરમમાં એરીઝ કોલ્લમ સેલર્સ સામે 237 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે તેણે માત્ર 42 બોલમાં સદી ફટકારી હતી. આ મેચમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે સદી ફટકારીને સેમસને એશિયા કપ 2025માં ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. તેણે પહેલા 16 બોલમાં 50 રન પૂરા કર્યા અને 51 બોલમાં કુલ 121 રન બનાવ્યા. આ ઇનિંગમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. આનાથી એશિયા કપ ટીમમાં તેની પસંદગી થવાની શક્યતા વધી ગઈ છે.
લાંબા સમયથી ઓપનિંગ કરી રહ્યો હતો
છેલ્લી કેટલીક T20 શ્રેણીમાં સંજુ સેમસને ભારત માટે ઓપનિંગ કરી હતી. પરંતુ શુભમન ગિલને એશિયા કપ 2025 ટીમમાં ઉપ-કપ્તાન બનાવવામાં આવ્યો છે. આનાથી સંજુ સેમસન ઓપનિંગ બેટ્સમેન તરીકે રમવા અંગે શંકા ઉભી થઈ. ઘણા નિષ્ણાતો માનતા હતા કે શુભમન ગિલ અને અભિષેક શર્મા ઇનિંગની શરૂઆત કરશે. આવી સ્થિતિમાં સંજુ સેમસનને પણ ટીમમાંથી બહાર કરી શકાય છે.
સંજુ સેમસનનો T20માં ઓપનિંગ બેટ્સમેન તરીકે સારો રેકોર્ડ છે. તેણે 17 T20 મેચમાં 522 રન બનાવ્યા છે. જેમાં ત્રણ સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. 2024માં સંજુ સેમસને એક વર્ષમાં ત્રણ T20 સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર બનીને ઇતિહાસ રચ્યો છે.