આફ્રિદીના મહેમાન બન્યા માઇકલ હોલ્ડિંગ, બોલ્યા- પાકમાં સુરક્ષાનો ખતરો નથી

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર માઇકલ હોલ્ડિંગ આ દિવસોમાં વ્યક્તિગત કારણોથી પાકિસ્તાનના પ્રવાસે છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ પોતાની ઘરે માઇકલ હોલ્ડિંગને જમવા બોલાવ્યા હતા.   

Updated By: Sep 30, 2019, 03:09 PM IST
આફ્રિદીના મહેમાન બન્યા માઇકલ હોલ્ડિંગ, બોલ્યા- પાકમાં સુરક્ષાનો ખતરો નથી

કરાચીઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ  બોલર માઇકલ હોલ્ડિંગને પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. આફ્રિદીએ રવિવારની રાત્રે ટ્વીટર પર હોલ્ડિંગની સાથે યજમાનીની તસવીર શેર કરી, જેમાં પાકિસ્તાનના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન સઇદ અનવર પણ દેખાઈ રહ્યાં છે. 

આફ્રિદીએ ટ્વીટ કર્યું, 'મારા ઘર પર હોલ્ડિંગને રાત્રે જમવા પર આમંત્રણ આપવું મારા માટે સન્માનની વાત છે. ડો કાશિફ માઇકલને કરાચી લાવવા માટે તમારો આભાર. સઇદ અનવરનો પણ જોડાવા માટે આભાર. આ મહાન ખેલાડીઓનું અહીં આવવું સારૂ લાગ્યું.'

હોલ્ડિંગ આ સમયે વ્યક્તિગત કારણોથી પાકિસ્તાનના પ્રવાસે છે. પાકિસ્તાન આ સમયે શ્રીલંકાની યજમાની કરી રહ્યું છે. તેમણે પાકિસ્તાનના અખબાર ધ ડોનને કહ્યું હતું, 'જો મને સુરક્ષાનો ખતરો હોય તો હું પાકિસ્તાન ન આવું. મને અહીં કોઈ સમસ્યા નથી. તે સારી વાત છે કે શ્રીલંકા અને પાકિસ્તાન અહીં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યાં છે.'

લાંબા સમય બાદ પાકિસ્તાનમાં કોઈ આંતરરાષ્ટ્રીય ટીમ રમવા આવી છે. 2009મા શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકી હુમલા બાદથી ઘણા દેશોએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથઈ. પાકિસ્તાનનો પ્રયત્ન છે કે તે પોતાને ત્યાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરી લાવે અને તમામ દેશોની સાથે પોતાના ઘરમાં રમે. 

હોલ્ડિંગ બે ઓક્ટોબરે રમાનારી ત્રીજી વનડેમાં હાજરી આપી શકે છે. શ્રીલંકા અને પાકિસ્તાન કરાચીમાં ત્રણ મેચોની વનડે સિરીઝ રમી રહ્યાં છે, જ્યારે લાહોરમાં બંન્ને દેશો વચ્ચે ત્રણ મેચોની ટી20 સિરીઝ રમાશે. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર